JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
શિક્ષણ

રાજ્યમાં પ્રી-પીટીસી પ્રવેશ નિયમોમાં મોટો સુધારો: વયમર્યાદા વધારીને ૩૦ વર્ષ કરાઈ, ઈડબલ્યુએસ માટે ૧૦ ટકા અનામત

Oct 08, 2026 | 17:50 | By JAMNAGAR MIRROR
રાજ્યમાં પ્રી-પીટીસી પ્રવેશ નિયમોમાં મોટો સુધારો: વયમર્યાદા વધારીને ૩૦ વર્ષ કરાઈ, ઈડબલ્યુએસ માટે ૧૦ ટકા અનામત

રાજ્યમાં ગુણવત્તાસભર પૂર્વ પ્રાથમિક શિક્ષણ સુનિશ્ચિત કરવા અને સક્ષમ તેમજ તાલીમબદ્ધ શિક્ષકો તૈયાર કરવાના હેતુથી ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે બાલ અધ્યાપન મંદિર એટલે કે પ્રી-પીટીસી કોલેજોમાં પ્રવેશ માટેના નિયમોમાં વ્યાપક અને હકારાત્મક સુધારા જાહેર કર્યા છે. નવા નિયમો મુજબ સમગ્ર પ્રવેશ પ્રક્રિયાને વધુ સમાવેશી, લવચીક અને સમયાનુકૂળ બનાવવામાં આવી છે. આ અંતર્ગત સંસ્થાઓમાં બેઠકોની સંખ્યામાં વધારો કરવા સાથે પ્રવેશ માટેની વયમર્યાદા વધારવામાં આવી છે તેમજ આર્થિક રીતે નબળા વર્ગ (ઈડબલ્યુએસ) અને દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ અનામતની જોગવાઈ કરવામાં આવી છે.

સુધારેલા પ્રવેશ માળખા અનુસાર, પૂર્વ પ્રાથમિક શિક્ષણ કોલેજોમાં અગાઉ વર્ગદીઠ મંજૂર ૫૦ બેઠકોની ક્ષમતા સામે ૨૫ ટકાનો વધારો કરીને કુલ ૬૨ બેઠકો કરવામાં આવી છે. આ બેઠકોની નવી વહેંચણી મુજબ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે ૨૭ ટકા અનામત હેઠળ ૧૭ બેઠકો, અનુસૂચિત જાતિ માટે ૭ ટકા મુજબ ૪ બેઠકો અને અનુસૂચિત જનજાતિ માટે ૧૫ ટકા હેઠળ ૯ બેઠકો ફાળવવામાં આવી છે. સામાન્ય વર્ગ માટે ૪૧ ટકા મુજબ ૨૬ બેઠકો રહેશે, જ્યારે આર્થિક રીતે નબળા વર્ગ માટે પ્રથમ વખત ૧૦ ટકા અનામત સાથે ૬ બેઠકોની જોગવાઈ કરાઈ છે. આ વધારાથી શિક્ષક બનવા ઇચ્છતા વધુ યુવાનોને તાલીમની તકો મળશે.

પ્રવેશ પાત્રતાના માપદંડોમાં પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. ઉમેદવારે ધોરણ-૧૨ની બોર્ડ પરીક્ષામાં ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ મેળવેલા હોવા જરૂરી રહેશે. ગુજરાત બોર્ડ ઉપરાંત કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઈ) કે અન્ય માન્ય બોર્ડમાંથી ઉત્તીર્ણ ઉમેદવારોને પણ આ જ પાત્રતા લાગુ પડશે. તમામ અનામત વર્ગ, ઈડબલ્યુએસ અને દિવ્યાંગ ઉમેદવારોને લઘુત્તમ ગુણમાં ૫ ટકાની છૂટછાટ મળશે. વધુમાં, પ્રવેશ માટેની મહત્તમ વયમર્યાદા ૨૪ વર્ષથી વધારીને ૩૦ વર્ષ કરવામાં આવી છે, જ્યારે અનામત શ્રેણીના ઉમેદવારોને વધુ ૫ વર્ષની છૂટ મળવાપાત્ર રહેશે.

આ ઉપરાંત, શિક્ષણના માધ્યમ બાબતે પણ ઉમેદવારોની સુવિધા માટે નિયમો હળવા કરાયા છે. ઉમેદવારે ધોરણ-૧૦ અથવા ધોરણ-૧૨ પૈકી જે માધ્યમમાં અભ્યાસ કર્યો હોય તે માધ્યમની સંસ્થામાં પ્રવેશ મેળવી શકશે. જો કોઈ માધ્યમમાં બેઠકો ખાલી રહે અને ઉમેદવારે અગાઉ તે ભાષાનો અભ્યાસ કર્યો હોય, તો તે અન્ય માધ્યમમાં પણ પ્રવેશ મેળવી શકશે. સરકારના આ નિર્ણયોથી વિલંબિત વયે કારકિર્દી ઘડવા માંગતા યુવાનો માટે શિક્ષણ ક્ષેત્રે ઉજ્જવળ તકોનું નિર્માણ થશે.

LATEST ARTICLES