રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ૬૧મો પદવીદાન સમારંભ રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને તેમજ શિક્ષણ રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગાની વિશેષ ઉપસ્થિતિમાં ગરિમાપૂર્ણ માહોલમાં યોજાયો હતો. આ દીક્ષાંત સમારોહમાં ૧૬ વિદ્યાશાખાના કુલ ૪૫,૯૨૪ વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતકની પદવીઓ એનાયત કરવામાં આવી હતી. સમારોહમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ૧૧૫ તેજસ્વી વિદ્યાર્થીઓને કુલ ૧૩૨ સુવર્ણચંદ્રક અને ૧૪૫ વિદ્યાર્થીઓને ૨૨૭ ઇનામો એનાયત કરાયા હતા. વિશેષ બાબત એ રહી કે ૧૩૨ ગોલ્ડ મેડલ પૈકી ૧૦૫ ગોલ્ડ મેડલ એકલી વિદ્યાર્થિનીઓએ પ્રાપ્ત કરીને શિક્ષણ ક્ષેત્રે નારીશક્તિનો ડંકો વગાડ્યો હતો.
આ પ્રસંગે દીક્ષાંત પ્રવચન આપતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, સામાજિક ઉત્તરદાયિત્વનું નિષ્ઠાપૂર્વક વહન કરવું એ જ વાસ્તવિક અર્થમાં શિક્ષિત હોવાનું સાચું પ્રમાણ છે. વિદ્યાર્થીઓ કિશોરાવસ્થામાંથી યુવાવસ્થામાં પ્રવેશી રહ્યા છે ત્યારે હવે રાષ્ટ્ર નિર્માણની સીધી જવાબદારી તેમના શિરે છે. તેમણે ‘સત્યં વદ, ધર્મં ચર’ના વૈદિક ઉપદેશને યાદ અપાવતાં યુવાનોને સત્ય, કર્તવ્યપાલન અને રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે આગળ વધવા અનુરોધ કર્યો હતો. દેશમાં વિજ્ઞાન, ટેકનોલોજી, અવકાશ, સંરક્ષણ ઉત્પાદન અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે થઈ રહેલી ક્રાંતિનો ઉલ્લેખ કરતાં તેમણે યુવાધનને ભારતને આત્મનિર્ભર અને અગ્રેસર બનાવવામાં પોતાનું જ્ઞાન સમર્પિત કરવા પ્રેરણા આપી હતી.
કાર્યક્રમમાં શિક્ષણ રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નીતિ દ્વારા શિક્ષણને માત્ર પુસ્તકિયા જ્ઞાન પૂરતું મર્યાદિત ન રાખતાં કૌશલ્યલક્ષી અને સર્વાંગી વિકાસ સાથે જોડવામાં આવ્યું છે. મુખ્ય અતિથિ વિશેષ અને બેંગલુરુના જાણીતા વૈજ્ઞાનિક પ્રોફેસર કે. એસ. નારાયણે વિદ્યાર્થીઓને વિકસિત ભારત-૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા નવીનતમ સંશોધનોમાં યોગદાન આપવા હાકલ કરી હતી. યુનિવર્સિટીના કુલપતિ દ્વારા સ્વાગત પ્રવચન સાથે સંસ્થાકીય સિદ્ધિઓ રજૂ કરવામાં આવી હતી. આ ગૌરવવંતા અવસરે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, કુલસચિવ, અધ્યાપકો, બહોળી સંખ્યામાં પદવીધારકો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
