દર વર્ષે ઓક્ટોબર માસના બીજા ગુરુવારે સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ દ્રષ્ટિ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં આંખોની યોગ્ય સંભાળ, સમયસર નિદાન અને નિવારી શકાય તેવી દ્રષ્ટિહીનતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે. રાજકોટ સ્થિત પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલના નેત્ર રોગ વિભાગ દ્વારા આધુનિક તબીબી સાધનો અને નિષ્ણાત તબીબોની સેવાઓ થકી દર્દીઓને ઉચ્ચ સ્તરીય સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. દૂર-સુદૂરના ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા દર્દીઓ માટે હોસ્પિટલમાં ચોવીસેય કલાક ઈમરજન્સી સારવાર ઉપલબ્ધ છે, જ્યાં જરૂરી દવાઓ, વિવિધ પ્રકારની સર્જરી, લેઝર સારવાર તેમજ અધૂરા મહિને જન્મેલા નવજાત બાળકોનું વિશેષ સ્ક્રીનિંગ તદ્દન વિનામૂલ્યે કરવામાં આવે છે.
હોસ્પિટલના નેત્ર રોગ વિભાગમાં રોજના સરેરાશ ૨૦૦ થી ૨૫૦ જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવે છે. અહીં મોતિયાના ઓપરેશન, વેલ, ત્રાંસી આંખ, જામર તથા આંખની ગંભીર ઈજા સંબંધિત તમામ જટિલ શસ્ત્રક્રિયાઓ નિષ્ણાતો દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી રહી છે. આ ઉપરાંત અંધત્વ નિયંત્રણ વિભાગ હેઠળ હવે કીકીના પ્રત્યારોપણ જેવી અત્યંત અદ્યતન સર્જરી પણ સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ હોવાથી ગરીબ દર્દીઓને અન્ય કોઈ મોટા કે ખાનગી કેન્દ્રોમાં જવાની જરૂર રહેતી નથી. સાથોસાથ અહીં અભ્યાસ કરતા રેસિડન્ટ તબીબોને પણ દરેક પ્રકારના ઓપરેશનનું ઊંડાણપૂર્વક અને વ્યવહારુ પ્રશિક્ષણ પૂરું પાડવામાં આવે છે.
આજના ડિજિટલ યુગમાં બાળકોમાં મોબાઈલ અને સ્ક્રીનના વધતા જતા વપરાશને કારણે દ્રષ્ટિની ખામી અને નાની વયે ચશ્માના નંબર આવવાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. તબીબોના જણાવ્યા મુજબ, વાલીઓએ બાળકોના સ્ક્રીન સમય પર યોગ્ય નિયંત્રણ રાખવું અત્યંત આવશ્યક છે. બાળકો રમતાં રમતાં આંખમાં ચૂનો કે મસાલો ન નાખી દે તે બાબતે વિશેષ સાવચેતી રાખવી જોઈએ. આંખોના સારા સ્વાસ્થ્ય માટે બાળકોને નાનપણથી જ લીલા શાકભાજી, કઠોળ, ગાજર તેમજ વિટામિન ‘એ’ યુક્ત પૌષ્ટિક આહાર આપવો જરૂરી છે. વધુમાં, ચાલીસ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ તેમજ જેમના પરિવારમાં જામરની તકલીફ રહી હોય તેમણે નિયમિતપણે આંખોની તપાસ કરાવવી જોઈએ.
