સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોક સામે ન્યૂયોર્કના એટર્ની જનરલ દ્વારા અદાલતમાં અત્યંત ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. આ દાવા મુજબ કંપનીએ હજારો કિશોરો અને સગીર યુઝર્સ પર છેતરામણા પ્રયોગો કર્યા હતા. આ પ્રયોગ દરમિયાન જ્યારે બાળકોએ નુકસાનકારક કન્ટેન્ટથી બચવા માટે સુરક્ષા સુવિધાઓ સક્રિય કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે કંપનીએ તેમને નકલી અથવા કામ ન કરતી નિષ્ક્રિય સુવિધાઓ આપી હતી. આ કારણે યુઝર્સને એવો ભ્રમ રહ્યો કે તેમના એકાઉન્ટમાં સુરક્ષા કવચ લાગુ થઈ ગયું છે, જ્યારે વાસ્તવમાં તેમની ફીડમાં કોઈ ફેરફાર થયો ન હતો અને તેમને જોખમી કન્ટેન્ટ પીરસવાનું ચાલુ જ રહ્યું હતું.
અદાલતમાં રજૂ કરાયેલા દસ્તાવેજો અનુસાર, કંપનીએ અલ્ગોરિધમ રીસેટ કરવાના ખાસ સુરક્ષા ટૂલ પર આવા બનાવટી પરીક્ષણો હાથ ધર્યા હતા. આ ટૂલ યુઝર્સના એકાઉન્ટમાંથી અનિચ્છનીય કે હાનિકારક વિડીયો હટાવીને નવી શરૂઆત કરવા માટે બનાવવામાં આવ્યું હતું. કંપનીના જ એક ડિજિટલ વેલબીઇંગ પ્રોડક્ટ મેનેજરે આંતરિક વાતચીતમાં ગંભીર ચેતવણી આપી હતી કે યુઝર્સ સાથે આવા નકલી પ્રયોગો કરવા અત્યંત આપત્તિજનક છે અને તે ગેરમાર્ગે દોરનારા છે. આમ છતાં, યુઝર્સ પ્લેટફોર્મ પર કેટલો સમય વિતાવે છે અને તેનાથી જાહેરાતની કમાણી પર શું અસર પડે છે તે જાણવા માટે કંપનીએ સગીરો પર આવા પ્રયોગો ચાલુ રાખ્યા હતા.
આ કથિત બેદરકારીનું પરિણામ અત્યંત દર્દનાક અને જીવલેણ સાબિત થયું છે. દાવા અનુસાર, કંપનીએ અન્ય એક પ્રયોગમાં કેટલાક યુઝર્સની સુરક્ષા સુવિધાઓ જાણીજોઈને સંપૂર્ણપણે બંધ કરી દીધી હતી. આ પ્રયોગનો ભોગ બનેલા ન્યૂયોર્કના એક સગીર કિશોરને આત્મહત્યા અને જાતને નુકસાન પહોંચાડવા સંબંધિત વિડીયો સતત બતાવવામાં આવ્યા હતા, જેના પગલે તે કિશોરે આત્મહત્યા કરી લીધી હતી. આ સમગ્ર મામલે કંપની સામે બાળકોને પ્લેટફોર્મનું વ્યસન કરાવવા અને સુરક્ષાના નામે ગેરમાર્ગે દોરવાના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે, જ્યારે બીજી તરફ કંપનીએ આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે.
