ગુજરાતી સાહિત્ય જગતના સુપ્રસિદ્ધ નવલકથાકાર અને વાર્તાકાર ઇલા આરબ મહેતાનું ૮૮ વર્ષની વયે મુંબઈ ખાતે નિધન થયું છે. ૬ ઓક્ટોબરના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા, જ્યારે ૭ ઓક્ટોબરના રોજ બપોરે સાંતાક્રુઝ સ્થિત હિન્દુ શ્મશાનગૃહ ખાતે તેમની અંતિમયાત્રા યોજાઈ હતી. તેમના અવસાનના સમાચાર મળતાં જ સમગ્ર સાહિત્ય જગતમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. અનેક સાહિત્યકારો, ભાવકો અને પ્રબુદ્ધ નાગરિકોએ તેમને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
ઇલા આરબ મહેતાનો જન્મ ૧૬ જૂન ૧૯૩૮ના રોજ મુંબઈમાં થયો હતો. તેમનું મૂળ વતન જામનગર હતું અને તેઓ પ્રસિદ્ધ સાહિત્યકાર ગુણવંતરાય આચાર્યના પુત્રી તથા જાણીતા લેખિકા વર્ષા અડાલજાના મોટા બહેન હતા. તેમણે મુંબઈની રુઇયા કોલેજમાંથી ગુજરાતી વિષય સાથે સ્નાતક અને અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. શિક્ષણ ક્ષેત્રે અપ્રતિમ સેવા આપતાં તેમણે વર્ષ ૧૯૬૦થી ૧૯૬૭ સુધી રુઇયા કોલેજમાં અને ત્યારબાદ વર્ષ ૧૯૭૦થી ૨૦૦૦માં પોતાની નિવૃત્તિ સુધી સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અધ્યાપક તરીકે નવી પેઢીનું ઘડતર કર્યું હતું.
તેમણે ગુજરાતી ભાષાને ૨૦થી વધુ નવલકથાઓ અને વાર્તાસંગ્રહોની અમૂલ્ય ભેટ આપી છે. તેમની મુખ્ય કૃતિઓમાં ‘ત્રિકોણની ત્રણ રેખાઓ’, ‘રાધા’, ‘બત્રીસ પૂતળીની વેદના’, ‘અને મૃત્યુ’, ‘દરિયાનો માણસ’, ‘વસંત છલકે’ અને ‘પરપોટાની પાંખ’ અત્યંત લોકપ્રિય રહી છે. ખાસ કરીને ‘બત્રીસ પૂતળીની વેદના’ કૃતિને ગુજરાતી સાહિત્યમાં સ્ત્રીવાદી દૃષ્ટિકોણ અને નારીચેતનાને ઉજાગર કરતી સીમાચિહ્નરૂપ નવલકથા ગણવામાં આવે છે. તેમણે પોતાની રચનાઓમાં સ્ત્રીઓના સામાજિક સંઘર્ષ અને અસ્તિત્વની ઓળખને વાચા આપી હતી.
સાહિત્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ તેમને ગુજરાત સાહિત્ય અકાદમી, મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય અકાદમી તથા ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના નિધનથી સમૃદ્ધ ગુજરાતી સાહિત્ય પરંપરાને ક્યારેય ન પુરાય તેવી મોટી ખોટ પડી છે.
