JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

ગુજરાતમાં આતંકી સંગઠનોનું મોટું કાવતરૂં પર્દાફાશ, પાંચ વર્ષમાં 45થી વધુ આતંકવાદીઓ ઝડપાયા

ગુજરાતમાં આતંકી સંગઠનોનું મોટું કાવતરૂં પર્દાફાશ, પાંચ વર્ષમાં 45થી વધુ આતંકવાદીઓ ઝડપાયા
ભારતની સુરક્ષા એજન્સીઓએ ગુજરાતમાં મોટા હુમલાનું કાવતરૂં નિષ્ફળ બનાવતા છેલ્લા પાંચ વર્ષમાં જૈશ-એ-મોહમ્મદ અને ISIS જેવા સંગઠનોના 45થી વધુ આતંકીઓની ધરપકડ કરી છે. સોશિયલ મીડિયા દ્વારા યુવાનોનું બ્રેઈનવોશ કરીને સ્લિપર સેલ ઊભા કરવામાં આવી રહ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

ભારતની સુરક્ષા વ્યવસ્થાને પડકારવા માટે કુખ્યાત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા ગુજરાતને નિશાન બનાવવામાં આવી રહ્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. રાજ્યમાં મોટા આતંકી હુમલાઓને અંજામ આપવા માટે ગુપ્તરાહે સ્લિપર સેલ ઊભું કરવામાં આવ્યા હોવાની માહિતી મળતા ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS), નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને સ્થાનિક ક્રાઈમ બ્રાંચ દ્વારા સંયુક્ત રીતે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૬ દરમિયાન સુરક્ષા એજન્સીઓએ રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાંથી ૪૫થી વધુ શંકાસ્પદ આતંકીઓને ઝડપી પાડીને મોટા વિનાશક કાવતરાને સમયસર નિષ્ફળ બનાવ્યું છે. વડોદરાથી લઈને સિદ્ધપુર સુધીના વિસ્તારોમાં જૈશ-એ-મોહમ્મદ, ISIS અને અલ-કાયદા જેવા આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠનોના મોડ્યુલ સક્રિય હોવાનો પર્દાફાશ થયો છે.

આ આતંકીઓ રાજ્યના યુવાનોને ડાર્ક વેબ, ટેલિગ્રામ અને પાકિસ્તાની હેન્ડલર્સના માધ્યમથી પોતાની જાળમાં ફસાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ડમી પ્રોફાઈલ બનાવીને યુવાનો સાથે મિત્રતા કેળવવામાં આવે છે અને ત્યારબાદ તેમનું માનસિક પરિવર્તન એટલે કે બ્રેઈનવોશ કરીને 'દાવુલ ઈસ્લામ ગુજરાત જૈશ-એ-મોહમ્મદ' જેવા ટેલિગ્રામ ગ્રુપો મારફતે ભરતી કરવામાં આવે છે. એજન્સીઓની તપાસમાં બહાર આવ્યું છે કે આતંકીઓ સુરક્ષા એજન્સીઓની પકડથી બચવા માટે અત્યંત ગુપ્ત એવી 'ડેડ ડ્રોપ પદ્ધતિ'નો ઉપયોગ કરે છે. આ પદ્ધતિમાં હેન્ડલર અને સ્થાનિક સભ્ય ક્યારેય સીધા સંપર્કમાં આવતા નથી, પરંતુ હેન્ડલર અગાઉથી નિર્ધારિત કોઈ નિર્જન કે ગુપ્ત સ્થળે હથિયાર, વિસ્ફોટક કે રોકડ મૂકીને તેનું લોકેશન મોકલે છે, જ્યાંથી સ્થાનિક વ્યક્તિ આ સામાન મેળવી લે છે જેથી કોઈ કડી પોલીસ કે એજન્સીઓના હાથ ન લાગે.

વર્ષ ૨૦૨૨માં ધંધુકા હત્યા કેસમાં UAPA હેઠળ તપાસ NIAને સોંપવામાં આવ્યા બાદથી અત્યાર સુધીમાં અનેક મોટી કાર્યવાહીઓ થઈ છે. વર્ષ ૨૦૨૪માં અમદાવાદ એરપોર્ટ પરથી ચાર શંકાસ્પદ ISIS આતંકીઓની ધરપકડ અને સુરતમાંથી મૌલવીની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે ૨૦૨૫માં દહેગામ અને રાજકોટ સહીતના સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ૨૦૨૬માં સિદ્ધપુર, બાવળા, ભરૂચ, વાપી અને વડોદરામાંથી જૈશ-એ-મોહમ્મદ અને AQIS સાથે જોડાયેલા તત્વો ઝડપાયા છે. હાલમાં આસામની કડીઓ, દાહોદની હિલચાલ અને વડોદરાના ટાર્ગેટ અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે, તેમજ વડોદરામાંથી ઝડપાયેલા આતંકી પાસેથી મસૂદ અઝહરનું પુસ્તક અને જિહાદી સાહિત્ય મળી આવતા સુરક્ષા એજન્સીઓએ ગાઝિયાબાદ કનેક્શનની તપાસ પણ વધુ તેજ કરી દીધી છે.

ગુજરાત વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES