JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

જામનગરમાં ડેન્ગ્યુનો વ્યાપ વધ્યો: જી.જી. હોસ્પિટલમાં ૨૮ દિવસમાં ૨૫૫ કેસ નોંધાયા, સિઝનમાં ૩નાં મોત

જામનગરમાં ડેન્ગ્યુનો વ્યાપ વધ્યો: જી.જી. હોસ્પિટલમાં ૨૮ દિવસમાં ૨૫૫ કેસ નોંધાયા, સિઝનમાં ૩નાં મોત
જામનગર શહેર અને જિલ્લામાં બદલાતી ઋતુને કારણે મૌસમી રોગચાળો વકર્યો છે. જી.જી. હોસ્પિટલમાં માત્ર ૨૮ દિવસમાં ડેન્ગ્યુના ૨૫૫થી વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને આ સિઝનમાં ૩ દર્દીનાં મોત નીપજ્યાં છે.

જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં આવેલા પલટા અને ઠંડી-ગરમીના મિશ્ર માહોલને કારણે મૌસમી રોગચાળો બેકાબૂ બની રહ્યો છે. શહેરમાં તાવ, શરદી અને ઉધરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેની સીધી અને ભારે અસર શહેરની સરકારી જી.જી. હોસ્પિટલ પર જોવા મળી રહી છે. હોસ્પિટલના મેડિસિન વિભાગની ઓપીડીમાં દૈનિક ધોરણે ૮૦૦થી વધુ દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે, જેમાંથી માત્ર તાવના જ ૧૨૦ થી ૧૫૦ જેટલા કેસ નોંધાયા છે. બદલાતા હવામાનને કારણે શ્વસનતંત્રના ચેપ અને વાયરલ ફીવરના દર્દીઓની સંખ્યામાં પણ મોટો ઉછાળો આવ્યો છે.

આરોગ્ય તંત્ર માટે ચિંતાજનક બાબત એ છે કે ચાલુ માસના માત્ર ૨૮ દિવસના ટૂંકા સમયગાળામાં જ જી.જી. હોસ્પિટલમાં ડેન્ગ્યુના ૨૫૫થી વધુ પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. આ સિઝન દરમિયાન ડેન્ગ્યુની સારવાર લઈ રહેલા ૩ દર્દીઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે મેલેરિયાના કેસ આ મહિને માત્ર ૨ જ નોંધાયા છે. ડેન્ગ્યુના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ પ્રશાસન સંપૂર્ણપણે સતર્ક બન્યું છે અને દર્દીઓની તપાસ, નિદાન તેમજ સારવાર માટેની આરોગ્ય વ્યવસ્થાઓને વધુ સુદ્રઢ અને સઘન બનાવવામાં આવી છે.

ડેન્ગ્યુની ગંભીરતા અંગે સમજાવતા જી.જી. હોસ્પિટલના મેડિસિન વિભાગના વડા ડૉ. મનીષ મહેતાએ જણાવ્યું હતું કે, માત્ર પ્લેટલેટ્સ ઘટવાથી મૃત્યુ થવાની સંભાવના ખૂબ ઓછી હોય છે, પરંતુ જો રોગ વધુ જટિલ બને તો તે જોખમી સાબિત થઈ શકે છે. સામાન્ય રીતે શરીરમાં પ્લેટલેટ્સની સંખ્યા ૨ થી ૨.૫ લાખ હોય છે, જે ડેન્ગ્યુના દર્દીઓમાં ઘટીને ૩૦ થી ૪૦ હજાર અને ગંભીર સ્થિતિમાં ૧૦ હજાર આસપાસ પહોંચે ત્યારે પ્લેટલેટ્સ ચડાવવાની જરૂર પડે છે. આ ઉપરાંત મગજનો તાવ (એનકેફેલાઇટિસ), લિવર કે કિડની પર અસર અથવા બ્લડપ્રેશર અચાનક ઘટી જવું (હેમરેજિક શોક) જેવી જટિલતાઓ સર્જાય ત્યારે પરિસ્થિતિ અત્યંત ગંભીર બને છે અને મોટાભાગના ગંભીર કેસો કે મૃત્યુ પાછળ આ જ કારણો જવાબદાર હોય છે.

આરોગ્ય વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES