JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સ્પોર્ટ્સ

અનુપમા રામચંદ્રન વર્લ્ડ સ્નૂકર ટાઈટલ જીતનારી અને ડિફેન્ડ કરનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની

અનુપમા રામચંદ્રન વર્લ્ડ સ્નૂકર ટાઈટલ જીતનારી અને ડિફેન્ડ કરનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની
ચેન્નઈની ૨૪ વર્ષીય અનુપમા રામચંદ્રને ઇન્દોરમાં રમાયેલી સ્પર્ધામાં વિજય મેળવીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. તેણે વર્લ્ડ સ્નૂકર ચેમ્પિયનશિપનું ટાઈટલ જીતવાની સાથે સફળતાપૂર્વક ડિફેન્ડ પણ કર્યું છે.

ચેન્નઈના માયલાપોર વિસ્તારની રહેવાસી અને ૨૪ વર્ષીય અનુપમા રામચંદ્રને ક્યુ સ્પોર્ટ્સના ઇતિહાસમાં ભારત માટે એક નવો અધ્યાય લખ્યો છે. ઇન્દોરના યશવંત ક્લબ ખાતે રમાયેલી આ રોમાંચક ફાઇનલ મેચમાં તેણે હોંગકોંગની ૪૫ વર્ષીય ખેલાડી સો મન યાન સામે શાનદાર વાપસી કરી હતી. મેચની શરૂઆતમાં પ્રથમ ફ્રેમ ગુમાવ્યા બાદ અનુપમાએ હાર ન માનતા સતત ત્રણ ફ્રેમ જીતીને મુકાબલો પોતાના નામે કર્યો હતો અને પોતાનું વિશ્વ વિજેતા પદ જાળવી રાખ્યું હતું. આ અગાઉ તેણે ૨૦૨૫માં દોહા ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય બિલિયર્ડ્સ એન્ડ સ્નૂકર ફેડરેશન (IBSF) ચેમ્પિયનશિપમાં હોંગકોંગની જ ત્રણ વખતની વર્લ્ડ ચેમ્પિયન એન ઓન-યીને હરાવીને આ ઇતિહાસ રચ્યો હતો. હોમગ્રાઉન્ડ પર રમાયેલી આ ટૂર્નામેન્ટમાં પોતાના ટાઈટલનું સફળ રક્ષણ કરવું એ તેના ખેલ જીવનની અત્યાર સુધીની સૌથી મોટી ઉપલબ્ધિૂ ગણવામાં આવે છે.

સામાન્ય રીતે ભારતમાં ક્યુ સ્પોર્ટ્સની વાત આવે ત્યારે પંકજ અડવાણી અને ગીત સેઠી જેવા દિગ્ગજોના નામ જ સૌથી મોખરે લેવામાં આવે છે. પરંતુ હવે દેશના ક્લબ્સ અને એકેડમીઓમાં મહિલા ખેલાડીઓ પણ આ રમતમાં સક્રિયપણે આગળ વધી રહી છે અને વૈશ્વિક સ્તરે દેશનું નામ રોશન કરી રહી છે. ચેન્નઈ અને ઇન્દોર જેવા શહેરો હવે આ રમતનું નવું હબ બની રહ્યા છે જ્યાં યુવતીઓને પ્રોત્સાહન મળી રહ્યું છે. આ વાતની સાબિતી તાજેતરમાં ઇંગ્લેન્ડમાં જોવા મળી હતી, જ્યાં ચેન્નઈની જ ૧૯ વર્ષીય શ્રુતિ લક્ષ્મીનારાયણને સતત ત્રીજી વખત વર્લ્ડ વિમેન્સ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ જીતીને ઇતિહાસ રચ્યો હતો. આ ઉપરાંત અમી કામણી જેવી કુશળ ખેલાડીઓ પણ ભારત માટે આંતરરાષ્ટ્રીય સ્તરે શાનદાર પ્રદર્શન કરી રહી છે, જે દર્શાવે છે કે ભારતીય મહિલાઓ હવે સ્નૂકર અને બિલિયર્ડ્સ જગતમાં મજબૂત પકડ જમાવી રહી છે.

અનુપમા રામચંદ્રનની આ સફળતાનો પ્રવાસ વર્ષ ૨૦૧૭માં માયલાપોર ક્લબના સમર કોચિંગ કેમ્પથી શરૂ થયો હતો, જ્યાં તેણે માત્ર ૧૩ વર્ષની ઉંમરે આ રમત રમવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેણે મદ્રાસ ક્રિકેટ ક્લબમાં અને વિદેશમાં પણ પ્રોફેશનલ ટ્રેનિંગ મેળવી હતી. વર્ષ ૨૦૧૭માં અંડર-૧૬ ગર્લ્સ વર્લ્ડ ઓપન સ્નૂકર ચેમ્પિયનશિપ જીતીને પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર અનુપમાએ વર્ષ ૨૦૨૩માં WWS અંડર-૨૧ ચેમ્પિયનશિપ જીતી હતી અને માર્ચ ૨૦૨૫માં કારકિર્દીનું સર્વોચ્ચ છઠ્ઠું રેન્કિંગ હાંસલ કર્યું હતું. વિદ્યા પિલાઈ અને અમી કામણી જેવી ખેલાડીઓએ ભૂતકાળમાં ભારતીય મહિલા સ્નૂકર માટે રસ્તાઓ તૈયાર કર્યા હતા, અને હવે અનુપમા રામચંદ્રને વર્લ્ડ ટાઈટલ જીતીને તથા તેને ડિફેન્ડ કરીને દેશની દીકરીઓ માટે સફળતાના નવા દ્વાર ખોલી દીધા છે.

સ્પોર્ટ્સ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES