જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં બિરિયાની અને માંસાહારી વાનગીઓ ખાધા બાદ આશરે ૩૫ જેટલા લોકોને ઝેરી અસર થતાં ભારે ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, બેડેશ્વર તથા આસપાસના વિસ્તારમાં રહેતા નાગરિકોએ સ્થાનિક એ-વન બોમ્બે બિરયાની એન્ડ કેટરર્સમાંથી ચિકન બિરિયાની, ચિકન ટીક્કા તેમજ લોલીપોપ સહિતની વાનગીઓ ખરીદીને આરોગી હતી. આ ભોજન લીધાના બીજા દિવસે સવારે અચાનક એક પછી એક લોકોને પેટમાં અસહ્ય દુખાવો, ઊલટી અને ઝાડા જેવી તકલીફો શરૂ થતાં ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું હતું.
શારીરિક સ્થિતિ લથડતાં તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ તેમજ સ્થાનિક ખાનગી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા. તબીબો દ્વારા તાબડતોબ સારવાર શરૂ કરવામાં આવતાં મોટાભાગના દર્દીઓની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો હતો, જેથી તેઓને તબક્કાવાર રજા આપવામાં આવી રહી છે. હાલ સરકારી હોસ્પિટલમાં ૧૧ દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે અને તેમની તબિયત પણ સુધારા પર હોવાનું તબીબી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
આ ગંભીર બનાવની જાણ થતાં જ જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગના અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. તપાસ દરમિયાન કેટરર્સમાં ભારે અસ્વચ્છતા અને બિનઆરોગ્યપ્રદ પરિસ્થિતિ જોવા મળી હતી. નિયમોના ઉલ્લંઘન બદલ તંત્ર દ્વારા આગામી આદેશ ન થાય ત્યાં સુધી આ કેટરર્સને સીલ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત તપાસ દરમિયાન મળી આવેલો આશરે ૨૫ કિલો જેટલો અસ્વચ્છ અને વાસી ચોખાનો જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
આરોગ્ય સુરક્ષાના ભાગરૂપે ફૂડ વિભાગની ટીમે ત્યાંથી અલગ-અલગ ખાદ્યપદાર્થોના પાંચ જેટલા શંકાસ્પદ નમૂનાઓ એકત્ર કરી પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. લેબોરેટરીનો સત્તાવાર અહેવાલ આવ્યા બાદ ખોરાકમાં રહેલા ઝેરી તત્ત્વો અંગે ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. આ અહેવાલના આધારે બેદરકારી દાખવનાર સંચાલકો સામે વધુ કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
