નવી દિલ્હી ખાતે આયોજિત હિંદ મહાસાગર રિમ એસોસિએશન (IORA) ની મંત્રીસ્તરીય બેઠકને સંબોધિત કરતા કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકરે વૈશ્વિક વેપાર, ઉર્જા સુરક્ષા અને કનેક્ટિવિટી માટે હિંદ મહાસાગરના કેન્દ્રીય મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં દરિયાઈ માર્ગે થતા વેપાર અને નાવિકોની સુરક્ષા સર્વોપરી છે, અને તેમના પર થઈ રહેલા હુમલાઓ કોઈપણ સંજોગોમાં સ્વીકારી શકાય તેમ નથી. આ બેઠકમાં ભારત વર્તમાન અધ્યક્ષ તરીકે યજમાની કરી રહ્યો છે, જેમાં ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા, દક્ષિણ આફ્રિકા સહિતના ૨૩ સભ્ય દેશો તેમજ અમેરિકા અને યુરોપિયન યુનિયનના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
વૈશ્વિક દરિયાઈ ક્ષેત્રે વધી રહેલા તણાવ અને બદલાતા ભૌગોલિક રાજકીય સમીકરણો વચ્ચે વિદેશ મંત્રીએ આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદાઓ, ખાસ કરીને 'યુએનસીએલઓએસ' (UNCLOS) ના સન્માનની હિમાયત કરી હતી. પશ્ચિમ એશિયા અને બ્લેક સી જેવા ક્ષેત્રોમાં મર્ચન્ટ શિપિંગ પર વધી રહેલા હુમલાઓને કારણે અનેક નાવિકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે, જેના સંદર્ભમાં તેમણે તમામ દરિયાકાંઠાના દેશોને સુરક્ષા અને સહયોગ માટે સંયુક્તપણે કામ કરવા આહ્વાન કર્યું હતું. આતંકવાદ, ડ્રગ્સની હેરાફેરી, ગેરકાયદેસર માછીમારી અને આબોહવાકીય આપત્તિઓનો સામનો કરવા માટે પ્રાદેશિક દેશોએ વધુ આત્મનિર્ભર બનવું પડશે અને પરસ્પર સહયોગ વધારવો પડશે તેમ તેમણે ઉમેર્યું હતું.
ભારતના અધ્યક્ષપદના વિઝન 'મહાસાગર' (MAHASAGAR) નો ઉલ્લેખ કરતા ડਾ. જયશંકરે જણાવ્યું હતું કે ભારત આ ક્ષેત્રમાં સ્થિરતા, આર્થિક સમૃદ્ધિ અને પરસ્પર સહકાર માટે કટિબદ્ધ છે. 'ઇનોવેશન, ઓપનનેસ, રેઝિલિયન્સ એન્ડ એડેપ્ટેબિલિટી' ની થીમ પર આધારિત આ બેઠકે સભ્ય દેશોને વૈશ્વિક પડકારો સામે એક મજબૂત પ્રાદેશિક અવાજ બતાવવાની તક પૂરી પાડી છે. આર્થિક વિકાસ અને બ્લુ ઇકોનોમીને વેગ આપવા માટે સંગઠનના માળખાને વધુ મજબૂત બનાવવું અને સભ્ય દેશો વચ્ચે સક્રિય સંકલન સાધવું અનિવાર્ય છે, જેથી આ સમૂહ બદલાતા વૈશ્વિક ઓર્ડરમાં સાર્થક ભૂમિકા ભજવી શકે.
