દેશમાં વેપાર-ઉદ્યોગ કરતા નાગરિકો અને બિઝનેસમેનો માટે જીએસટી અનુપાલનને વધુ સરળ બનાવવાના હેતુસર નાણા મંત્રાલય દ્વારા સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST) રૂલ્સ, ૨૦૧૭ માં મહત્વના સુધારા જાહેર કરવામાં આવ્યા છે. અગાઉ જીએસટી કાઉન્સિલની ૫૭મી બેઠકમાં લેવાયેલા નિર્ણયો અનુસાર, હવે કોઈપણ બિઝનેસ બંધ કરતી વખતે, માલિકી હક તબદીલ કરતી વખતે કે રજીસ્ટ્રેશનની જરૂર ન રહે ત્યારે તેને રદ કરાવવું અત્યંત સરળ બનશે. આ નવી ઓટોમેટિક પદ્ધતિ ૧ ડિસેમ્બરથી અમલી બનશે, જેના કારણે કરદાતાઓએ ટેક્સ ઓફિસરોની નિયમિત તપાસ અને લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું નહીં પડે અને સીધી ઓનલાઈન મંજૂરી મળી જશે.
નવા સુધારા મુજબ, જે અરજદારો નિર્ધારિત સમય મર્યાદામાં તમામ રિટર્ન ફાઇલ કરવાની શરતો પૂરી કરતા હશે અને બાકી નીકળતી ટેક્સ રકમ, વ્યાજ કે દંડ ભરી ચૂક્યા હશે, તેમને આ ઓટોમેટિક કેન્સલેશનનો લાભ મળશે. અગાઉ ૨.૫ લાખ રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) ની જે મર્યાદા હતી તેને પણ હવે ધ્યાનમાં રાખ્યા વગર તમામ પાત્ર અરજદારો માટે આ વ્યવસ્થા ખુલ્લી મૂકવામાં આવી છે. સુધારેલા નિયમ ૨૦ હેઠળ, જીએસટી પોર્ટલ પર અરજી કર્યા બાદ જો તમામ નિયમો અને નાણાકીય દેવાં ચૂકવાઈ ગયા હશે, તો પોર્ટલ દ્વારા ઇલેક્ટ્રોનિકલી રજીસ્ટ્રેશન રદ કરી દેવામાં આવશે અને ફોર્મ GST REG-38 માં કન્ફર્મેશન પણ મોકલી આપવામાં આવશે.
જો કે, જે વેપારીઓના રિટર્ન ભરવાના બાકી હશે અથવા તો ટેક્સ કે દંડની રકમ ચૂકવવાની બાકી હશે, તેમના માટે આ ઓટોમેટિક સિસ્ટમ લાગુ નહીં પડે અને તેમની અરજીઓ ચકાસણી માટે સંબંધિત અધિકારીને મોકલવામાં આવશે. કમ્પોઝિશન સ્કીમ હેઠળ આવતા કરદાતાઓએ પણ નિર્ધારિત ફોર્મ ભરેલા હોવા અનિવાર્ય છે. જીએસટી કાઉન્સિલના આ સુધારાથી ખાસ કરીને નાના અને મધ્યમ વર્ગના વેપારીઓને પોતાનો બિઝનેસ બંધ કરતી વખતે કે નામ ફેરફાર કરતી વખતે પડતી વહીવટી મુશ્કેલીઓમાંથી મોટી રાહત મળશે અને પારદર્શક તથા ઝડપી સેવાઓ મળતી થશે.
