આગામી ૪ ડિસેમ્બરના રોજ યોજાનારી લદાખ ઓટોનમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ (LAHDC)ની ચૂંટણી પહેલાં રાજકીય અને સામાજિક ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. આ દરમિયાન જાણીતા પર્યાવરણવાદી અને લેહ અપેક્સ બોડી (LAB)ના સભ્ય સોનમ વાંગચુકે ગુરુવારે જણાવ્યું હતું કે લેહ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમને શાંતિ જાળવી રાખવા માટે એક બોન્ડ પર સહી કરવા માટે સમન્સ મોકલવામાં આવ્યું હતું. વહીવટી તંત્રના આદેશ અનુસાર તેઓ વધારાના જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર પણ થયા હતા, પરંતુ તેમણે કોઈપણ પ્રકારના શાંતિ બોન્ડ પર સહી કરવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. વાંગચુકે સ્પષ્ટ કર્યું હતું કે તેમણે ક્યારેય એવું કોઈ કૃત્ય કે નિવેદન નથી કર્યું જેનાથી ક્ષેત્રની શાંતિ જોખમાય, તેથી આવો કોઈ બોન્ડ ભરવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી.
સોનમ વાંગચુકે સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું હતું કે તેમને લેહના એડિશનલ મેજિસ્ટ્રેટની કચેરી તરફથી ૧૯ પાનાની કારણદર્શક નોટિસ મળી હતી, જેમાં બપોરે ૩ વાગ્યે હાજર રહેવા આદેશ કરાયો હતો. ‘લેહ અપેક્સ બોડી’ દ્વારા ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને ચૂંટણી મુલતવી રાખવાની માંગ કરવામાં આવી રહી છે. વાંગચુકે આ નોટિસનો કાયદેસરનો અને ઔપચારિક જવાબ આપવા માટે એક અઠવાડિયાનો સમય માંગ્યો હતો, કારણ કે નોટિસમાં ઘણા આધારહીન અને પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવ્યા હતા જેનો વકીલોની સલાહ લઈને જવાબ આપવો જરૂરી હતો. શરૂઆતમાં મેજિસ્ટ્રેટ દ્વારા આ અરજી સ્વીકારીને એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો હોવા છતાં, બાદમાં માત્ર બે જ દિવસમાં એટલે કે ૨૮ નવેમ્બર સુધીમાં જવાબ આપવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો.
આ ઘટનાક્રમ બાદ વહીવટી તંત્રની કાર્યપદ્ધતિ સામે નારાજગી વ્યક્ત કરતા વાંગચુકે તેને એક મનસ્વી અને અચાનક લેવાયેલું બિન-પારદર્શક પગલું ગણાવ્યું છે. એક તરફ મૌખિક કે લેખિત સમજૂતી બાદ અચાનક જ સમય મર્યાદા ઘટાડી દેવી તે લોકશાહી ઢાંચામાં યોગ્ય નથી તેમ તેમણે ઉમેર્યું હતું. લદાખમાં ચૂંટણીના માહોલ વચ્ચે સ્થાનિક નેતાઓ અને વહીવટી તંત્ર વચ્ચેનો આ વિવાદ આગામી દિવસોમાં વધુ ઘેરો બની શકે છે. પર્યાવરણ અને સ્થાનિક અધિકારો માટે લડતા સોનમ વાંગચુકે કાયદાકીય માર્ગે આનો સામનો કરવાની તૈયારી દર્શાવી છે, જેના પર સમગ્ર દેશની નજર રહેશે.
