અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિરમગામ શહેરમાંથી પત્રકારત્વની આડમાં આચરવામાં આવતી ગેરકાયદે પ્રવૃત્તિઓનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 'વોઈસ ઓફ વિરમગામ ન્યૂઝ'ના તંત્રી કનુ સોલંકી શ્રીવાસ્તવ દ્વારા સ્થાનિક અનાજના વેપારી નાહીદહુસેન વોરાને ટાર્ગેટ કરીને બ્લેકમેલિંગનું એક મોટું રેકેટ ચલાવવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. આરોપી તંત્રીએ વેપારીની જાણ બહાર તેમની દુકાન અને ગોડાઉનનો ગુપ્ત રીતે વીડિયો રેકોર્ડ કરી લીધો હતો અને ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ ન કરવા તેમજ ડીલીટ કરવાના બદલામાં તોડપાણી કરવાનું શરૂ કર્યું હતું. આ ગંભીર મામલે ભોગ બનનાર વેપારી દ્વારા વિરમગામ ટાઉન પોલીસ મથકમાં સત્તાવાર રીતે ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવતા પત્રકાર આખામાં ભારે હલચલ મચી જવા પામી છે.
ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો અનુસાર, આરોપી તંત્રી કનુ સોલંકીએ વીડિયો ડીલીટ કરવાના અવેજમાં વેપારી પાસે તાત્કાલિક ધોરણે ૪૦,૦૦૦ રૂપિયાની માગણી કરી હતી. એટલું જ નહીં, પરંતુ વેપારીને આગળ પણ પોતાનો ધંધો સુખરૂપ ચલાવવો હોય તો દર મહિને નિયમિત રીતે ૫,૦૦૦ રૂપિયાનો હપ્તો આપવો પડશે તેવી ખુલ્લી ધમકી પણ આપવામાં આવી હતી. આર્થિક શોષણ ઉપરાંત વેપારીને માનસિક રીતે તોડવાના હેતુથી પત્રકાર દ્વારા તેમને મોબાઈલ લૂંટ તેમજ એટ્રોસિટી જેવા અત્યંત ગંભીર ગુનાઓમાં ખોટી રીતે ફસાવી દેવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી. જો વેપારી માંગણીઓ ન સ્વીકારે તો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરીને જાહેરમાં બદનામ કરવાની પેરવી પણ કરવામાં આવી રહી હતી, જેના કારણે વેપારી માનસિક તાણ અનુભવી રહ્યા હતા.
આ સમગ્ર પ્રકરણમાં ભોગ બનનાર અનાજના વેપારીએ ડર્યા વગર હિંમત દાખવીને પોલીસનો સંપર્ક કરવાનું નક્કી કર્યું હતું અને વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં જઈને સમગ્ર ઘટનાની વિગતવાર રજૂઆત કરી હતી. વેપારીની ફરિયાદને ગંભીરતાથી લઈને પોલીસે તાત્કાલિક ધોરણે આરોપી તંત્રી કનુ સોલંકી વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની સઘન તપાસ શરૂ કરી છે. સોશિયલ મીડિયા અને ડિજિટલ પત્રકારત્વની આડમાં આવા તત્વો દ્વારા આચરવામાં આવતા ગુનાઓ સામે પોલીસની આ કડક કાર્યવાહીથી અન્ય વેપારીઓ અને નાગરિકોમાં પણ રાહતની લાગણી ફેલાઈ છે, તેમજ પત્રકારત્વના મુખૌટા પાછળ છુપાયેલા આવા ગુનેગારો સામે દાખલારૂપ પગલાં લેવાય તેવી પ્રબળ માંગ ઉઠી છે.
