ટેલિવિઝનના લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ’ ફેમ અભિનેત્રી અને મોડલ અર્ચના ગૌતમના મુંબઈ સ્થિત કાફેમાં ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અંધેરી પશ્ચિમ વિસ્તારમાં આવેલા તેના કાફેમાં એક અજાણ્યો શખ્સ મોડી રાત્રે ઘૂસી ગયો હતો અને રોકડ રકમ શોધવાને બદલે આખેઆખું કેશ કાઉન્ટર જ ઉપાડીને રફુચક્કર થઈ ગયો હતો. સમગ્ર ઘટના કાફેમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ ઘટનાનો વીડિયો અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરીને અન્ય વેપારીઓ અને નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી છે. આ ચોરીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
પોતાના સપનાના કાફેમાં થયેલી આ ચોરી અંગે ઊંડો આઘાત વ્યક્ત કરતા અર્ચનાએ જણાવ્યું હતું કે, આ કાફે તેણે પોતાની મહેનતની મૂડી અને જીવનભરની બચત રોકીને ખૂબ જ પ્રેમથી બનાવ્યું હતું. કાફેની દરેક નાની-મોટી વ્યવસ્થા માટે તેણે વ્યક્તિગત રીતે ખૂબ પરિશ્રમ કર્યો હતો. અભિનેત્રીએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે મુંબઈ હંમેશાથી એક સુરક્ષિત શહેર માનવામાં આવે છે, પરંતુ આ પ્રકારની ઘટનાથી તેનું મન વ્યથિત થઈ ગયું છે. તેણે આ મામલે તાત્કાલિક સ્થાનિક પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે અને મુંબઈ પોલીસને સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરની ઓળખ કરી કડક કાનૂની કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે.
નોંધનીય છે કે, અર્ચના ગૌતમે મુંબઈના અંધેરી પશ્ચિમમાં વર્સોવા મેટ્રો સ્ટેશન નજીક પોતાના કાફેની શરૂઆત કરીને ફૂડ બિઝનેસ ક્ષેત્રે નવું પગલું ભર્યું હતું. આ દુર્ભાગ્યપૂર્ણ બનાવ બાદ તેણે તમામ લોકોને પોતાના ઘર અને વેપાર-ધંધાના સ્થળે સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ રાખવા સલાહ આપી છે. બિગ બોસ સિઝન ૧૬ થી દેશભરમાં ખ્યાતિ મેળવનારી અર્ચના ‘ખતરો કે ખેલાડી’ સહિતના વિવિધ લોકપ્રિય કાર્યક્રમોમાં પણ ભાગ લઈ ચૂકી છે અને તે પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે. હાલ પોલીસ સીસીટીવીના આધારે આરોપીને ઝડપી પાડવા તપાસ ચલાવી રહી છે.
