ગુજરાત રાજ્યના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે કાર્યરત અધ્યાપકો માટે એક અત્યંત રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય અધ્યાપક મંડળ દ્વારા શિક્ષણ મંત્રી તેમજ ઉચ્ચ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે હાથ ધરાયેલી વિસ્તૃત બેઠકો અને સકારાત્મક ચર્ચા બાદ આખરે અધ્યાપકોના લાંબા સમયથી લટકતા પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા કેરીયર એડવાન્સમેન્ટ સ્કીમ હેઠળ અધ્યાપકોની બઢતીને લગતી સમસ્યાઓ દૂર કરવા માટે બે મહત્વપૂર્ણ સરકારી ઠરાવો અમલી બનાવવામાં આવ્યા છે, જેનાથી સમગ્ર રાજ્યના અધ્યાપક આલમમાં ખુશીનો માહોલ છવાયો છે.
પ્રથમ મહત્વપૂર્ણ ઠરાવ અનુસાર, અધ્યાપકો માટે બઢતી મેળવવા અનિવાર્ય એવા ઓરિએન્ટેશન પ્રોગ્રામ, રિફ્રેશર કોર્સ અને ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ પૂર્ણ કરવાની સમયમર્યાદામાં સરકારે એક વર્ષનો મોટો વધારો કર્યો છે. અગાઉ આ મુદત ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ નક્કી કરવામાં આવી હતી, જે હવે લંબાવીને ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધી કરવામાં આવી છે. આ નિયત સમયગાળામાં જરૂરી તાલીમ પૂર્ણ કરનાર અધ્યાપકોને તેમની મળવાપાત્ર મૂળ તારીખથી જ બઢતીનો લાભ મળશે. ખાસ કરીને અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં અધ્યાપક સહાયકની ફિક્સ પગારની નીતિ અમલમાં હોવાથી, તેઓને રજા અને સમયના અભાવે આ અભ્યાસક્રમો પૂર્ણ કરવામાં ભારે અડચણો આવતી હતી. આ નિર્ણયથી અધ્યાપકોને થનારું આર્થિક નુકસાન અટકશે અને બઢતી પ્રક્રિયા ઝડપી બનશે.
આ ઉપરાંત, બીજા ઠરાવ દ્વારા વર્ષોથી સેવા આપતા અને હવે નિવૃત્તિના આરે પહોંચેલા વરિષ્ઠ અધ્યાપકો માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના ૨૦૧૦ના નિયમન સંદર્ભે મહત્વની છૂટછાટો જાહેર કરવામાં આવી છે. ભૂતકાળમાં પીએચડીના સમયગાળાને શૈક્ષણિક અનુભવ તરીકે ગણવા, નેટ પરીક્ષામાંથી મુક્તિ અને એકેડેમિક પરફોર્મન્સ ઇન્ડિકેટરની ગણતરીમાં કેપિંગ સંબંધિત જટિલતાઓને કારણે અનેક વરિષ્ઠ પ્રોફેસરો બઢતીથી વંચિત રહ્યા હતા. સરકારે આ વિસંગતતાઓને દૂર કરીને વરિષ્ઠ શિક્ષકોને પણ મોટો ન્યાય આપ્યો છે. સરકારના આ નિર્ણયોથી રાજ્યની કોલેજોમાં શિક્ષણનું સ્તર વધુ સુદ્રઢ બનશે અને અધ્યાપકોનો ઉત્સાહ પણ બેવડાશે.
