JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
શિક્ષણ

મહેસાણાની ૯૯૦ પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ વિભાગની વિશેષ તપાસ ઝુંબેશ: ગુણવત્તા અને સુવિધાઓનું સ્થળ પર લાઈવ મૂલ્યાંકન થશે

Oct 07, 2026 | 01:05 | By JAMNAGAR MIRROR
મહેસાણાની ૯૯૦ પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ વિભાગની વિશેષ તપાસ ઝુંબેશ: ગુણવત્તા અને સુવિધાઓનું સ્થળ પર લાઈવ મૂલ્યાંકન થશે

મહેસાણા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક સ્તર સુધારવા અને ભૌતિક સુવિધાઓની વાસ્તવિક પરિસ્થિતિ જાણવા માટે શિક્ષણ વિભાગ દ્વારા એક વ્યાપક સઘન તપાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ વિશેષ અભિયાન અંતર્ગત જિલ્લાની કુલ ૯૯૦ પ્રાથમિક શાળાઓમાં આગામી ૨૫ ઓક્ટોબર સુધી ઉચ્ચ અધિકારીઓ દ્વારા રૂબરૂ મુલાકાત લઈને સઘન મૂલ્યાંકન હાથ ધરાશે. આ કામગીરી માટે વર્ગ-૧ અને વર્ગ-૨ કક્ષાના ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિતની ટીમો શાળાઓમાં આકસ્મિક નિરીક્ષણ કરશે. આ નિરીક્ષણ દરમિયાન સ્થળ પર જ ઓનલાઈન મૂલ્યાંકન કરવામાં આવશે અને લાઈવ કેમેરા દ્વારા પરિસ્થિતિના ફોટોગ્રાફ્સ પાડીને તત્કાળ પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે.

આ સઘન ચકાસણીમાં મુખ્યત્વે છ જેટલા પાયાના મુદ્દાઓને કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યા છે. ધોરણ ૧ થી ૩ ના બાળકોમાં પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાનના લક્ષ્યાંકો તથા ધોરણ ૪ થી ૮ ના વિદ્યાર્થીઓમાં વયજૂથ અનુસાર વાંચન, લેખન અને ગણન ક્ષમતાની વિગતવાર તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત શિક્ષક ડાયરી, એકમ કસોટીઓનું આયોજન, ગુણપત્રક એન્ટ્રી અને શિષ્યવૃત્તિ માર્ગદર્શનની સમીક્ષા થશે. બીજી તરફ, શાળા સંકુલની ભૌતિક સુવિધાઓ જેવી કે વર્ગખંડો, રમતનું મેદાન, કુમાર અને કન્યા માટેના અલગ શૌચાલયો તેમજ પીવાના શુદ્ધ પાણીની સ્થિતિ ચકાસાશે. જો શાળામાં કોઈ જર્જરિત ઓરડા હોય તો તેનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ છે કે નહીં તેની ખાસ ખાતરી કરવામાં આવશે.

વિદ્યાર્થીઓની સુરક્ષાના ભાગરૂપે તમામ શાળાઓમાં અગ્નિશામક સાધનો અને વીજ વાયરિંગની સક્ષમતા પણ ચકાસવામાં આવશે. આ સાથે મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ નિયત મેનુ મુજબ ગુણવત્તાયુક્ત અને તાજું ભોજન, રસોડાની સ્વચ્છતા, અનાજનો ભૌતિક જથ્થો અને રસોઈયાઓના આરોગ્ય કાર્ડની ચકાસણી કરવામાં આવશે. શાળામાં સતત ગેરહાજર કે ડ્રોપઆઉટ બાળકો માટે હાથ ધરાયેલ ઘર મુલાકાત રજિસ્ટર, શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠકો, સરકારી ગ્રાન્ટનો હિસાબ અને સેવાપોથીની પણ સમીક્ષા કરાશે. અંતે, કમ્પ્યુટર લેબ અને ટેબ્લેટ્સની કાર્યક્ષમતા તેમજ જી-શાળા અને સ્વિફ્ટ ચેટ જેવા શૈક્ષણિક ડિજિટલ માધ્યમોનો વાસ્તવિક ઉપયોગ થાય છે કે નહીં તેની ઝીણવટભરી તપાસ હાથ ધરાશે.

LATEST ARTICLES