આ સમગ્ર કાનૂની વિવાદની શરૂઆત મે ૨૦૧૮માં સામે આવેલા એક વિવાદાસ્પદ વિડિયોથી થઈ હતી. યુટ્યુબર ધ્રુવ રાઠીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વિડિયો અપલોડ કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટી (BJP) ના આઈટી સેલ દ્વારા તેમની છબી ખરાબ કરવા માટે ફરિયાદી વિકાસ સંકૃત્યાયન (જેઓ વિકાસ પાંડે તરીકે પણ ઓળખાય છે) ને રિશ્વત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તત્કાલીન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ તેને રીટ્વીટ કર્યો હતો. વિડિયોમાં કરવામાં આવેલા દાવાઓ અને તેના વ્યાપક પ્રસારને કારણે નારાજ થઈને વિકાસ પાંડેએ ધ્રુવ રાઠી અને અરવિંદ કેજરીવાલ બંને વિરુદ્ધ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
આ કેસમાં દિલ્હીની કોર્ટે જુલાઈ ૨૦૧૯માં પહેલીવાર ધ્રુવ રાઠીને સમન્સ મોકલ્યા હતા, પરંતુ છેલ્લા આ વર્ષો દરમિયાન તેમને કોર્ટ સમક્ષ હાજર રાખવાના તમામ પ્રયાસો નિષ્ફળ સાબિત થયા હતા. ગત ૧૭ ઓક્ટોબરે કોર્ટે જામીનપાત્ર વોરંટ ઇશ્યુ કર્યું હતું, પરંતુ રાઠી વિદેશમાં રહેતા હોવાને કારણે અને ગુડગાંવ સ્થિત તેમનું નિવાસસ્થાન સતત બંધ મળવાને કારણે આ વોરંટ બજાવી શકાયું ન હતું. કાનૂની પ્રક્રિયાને ઝડપી બનાવવા અને ન્યાય સુનિશ્ચિત કરવા માટે ફરિયાદીએ કોર્ટમાં અરજી કરી હતી, જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે રાઠી વિદેશમાં નિવાસ કરતા હોવાથી નોટિસ બજાવવામાં મુશ્કેલી પડી રહી છે. ફરિયાદીની વિનંતીને માન્ય રાખીને કોર્ટે તેમને પ્રોસેસ સર્વર સાથે જઈને વોરંટ બજાવવાની મંજૂરી પણ આપી હતી.
અગાઉ જામીનપાત્ર વોરંટનો અમલ ન થવાના કારણે કોર્ટે હવે કડક રૂખ અપનાવતા ધ્રુવ રાઠી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ (NBW) જારી કર્યું છે. કોર્ટની આ કડકાઈ બાદ હવે કાનૂની વર્તુળોમાં આ મામલો ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ કેસની આગામી સુનાવણી આગામી ૩ ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે, જ્યાં કોર્ટ દ્વારા આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. યુટ્યુબર માટે કોર્ટ સમક્ષ હાજર રહેવું અનિવાર્ય બન્યું છે, અને આ કેસના પરિણામો ભવિષ્યની રાજકીય અને કાનૂની ગતિવિધિઓ પર મોટી અસર પાડી શકે છે.
