ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ હંમેશાં રોમાંચ અને ઉત્તેજનાથી ભરપૂર હોય છે, અને આ મુકાબલો પણ તેનાથી બાકાત નહોતો. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન ‘એ’ની ટીમે નિર્ધારિત ઓવરોમાં ૩૧૩ રનનો મજબૂત અને પડકારજનક સ્કોર ખડો કર્યો હતો. વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારત ‘એ’ ટીમની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી અને ઓપનરો સસ્તામાં પેવેલિયન ભેગા થઈ ગયા હતા. જોકે, આ મુશ્કેલ પરિસ્થિતિમાં અભિષેક શર્માએ મેદાન પર પગ મૂકતા જ પાકિસ્તાની બોલરો પર આક્રમણ શરૂ કર્યું હતું. તેણે માત્ર ૪૨ બોલમાં ૬ ચોગ્ગા અને ૬ છગ્ગાની મદદથી તોફાની ૭૦ રન ફટકારીને ભારતને મેચમાં શાનદાર વાપસી કરાવી હતી.
અભિષેક શર્માની વિકેટ પતન બાદ ભારતીય બેટિંગ લાઇનઅપમાં પત્તાના મહેલની જેમ ધરાશાયી થવા લાગી હતી. મિડલ ઓર્ડરના બેટ્સમેનો રિંકુ સિંહ અને સૂર્યાંશ શેડગે સસ્તામાં આઉટ થઈ જતાં ટીમ ભારે દબાણમાં આવી ગઈ હતી. પાકિસ્તાનના હસન નવાઝે ઘાતક બોલિંગ કરીને ભારતની રન ગતિને અંકુશમાં રાખવાની સાથે મહત્વની વિકેટો ઝડપી હતી. નોંધનીય છે કે હસન નવાઝે આ મેચમાં માત્ર બોલિંગમાં જ નહીં, પરંતુ અગાઉ બેટિંગમાં પણ શાનદાર ૭૯ રનનું યોગદાન આપીને પોતાની ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી અને તે મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો.
એક સમયની મુશ્કેલ ઘડીમાં તિલક વર્માએ એક છેડો મજબૂત રીતે સાચવી રાખ્યો હતો અને શાહબાઝ અહેમદ (૫૬ રન) સાથે મળીને ૧૦૦ રનની અત્યંત મૂલ્યવાન ભાગીદારી નોંધાવી ભારતની જીતની આશા જીવંત રાખી હતી. તિલક વર્માએ અત્યંત ધીરજ અને પરિપક્વતા દાખવતા ૧૪૮ બોલમાં પોતાની શાનદાર સદી પૂરી કરી હતી. પરંતુ, અંતિમ ઓવરોમાં પાકિસ્તાની બોલર અલી રઝાએ ઝડપી વિકેટો ઝડપીને ભારતની જીતની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. અંતે ભારતીય ટીમ ૨૬૫ રનમાં ઓલઆઉ થઈ ગઈ અને તિલકની સદી તથા અભિષેકના તોફાની ૭૦ રન એળે જતા પાકિસ્તાને ૪૮ રનથી આ મેચ જીતી લીધી હતી.
