ભારતીય મહિલા ક્રિકેટ ટીમના સુકાની હરમનપ્રીત કૌરે નેતૃત્વના ૧૦ વર્ષ પૂર્ણ કરીને દેશના રમત જગતમાં એક અનોખો ઈતિહાસ રચ્યો છે. પોતાના નામની જેમ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન થકી કરોડો દેશવાસીઓના દિલ જીતીને હરમનપ્રીતે ટીમ ઈન્ડિયાને વૈશ્વિક સ્તરે શક્તિશાળી બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. તેમણે વર્ષ ૨૦૧૬માં ભારતીય મહિલા ટી-૨૦ ટીમની કમાન સંભાળીને સુકાની તરીકેની ઐતિહાસિક સફર શરૂ કરી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૨૨માં તેમને વનડે અને ટેસ્ટ ટીમની આગેવાની પણ સોંપવામાં આવી હતી. આ દાયકા દરમિયાન તેમણે અનેક ગૌરવશાળી સિદ્ધિઓ હાંસલ કરી ભારતીય મહિલા ક્રિકેટને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે.
હરમનપ્રીતની કેપ્ટનશીપની સૌથી મોટી અને યાદગાર ક્ષણ વર્ષ ૨૦૨૫માં આવી, જ્યારે ભારતીય મહિલા ટીમે પ્રથમ વખત વનડે વર્લ્ડ કપનો ખિતાબ જીતીને સુવર્ણ ઇતિહાસ રચ્યો હતો. કપિલ દેવ અને મહેન્દ્ર સિંહ ધોની પછી ભારતને વનડે વર્લ્ડ કપ અપાવનાર તેઓ દેશના માત્ર ત્રીજા કેપ્ટન બન્યા છે. આ સાથે જ અગાઉના દિગ્ગજો જે કામ પૂરું નહોતા કરી શક્યા, તે તેમણે કરી બતાવ્યું હતું. આ ઉપરાંત, તેમના પ્રભાવશાળી નેતૃત્વ હેઠળ ભારતે ૨૦૧૨, ૨૦૧૬, ૨૦૨૨ અને ૨૦૨૬માં એમ ચાર વખત એશિયા કપ જીતીને એશિયન ક્રિકેટમાં પોતાનો દબદબો કાયમ રાખ્યો છે. સાથોસાથ, એશિયન ગેમ્સમાં ૨૦૨૩ અને ૨૦૨૬માં સતત સુવર્ણ ચંદ્રક જીતીને ગોલ્ડ મેડલ ડિફેન્ડ કરનાર તેઓ પ્રથમ ભારતીય કેપ્ટન પણ બન્યા છે.
ટેસ્ટ ક્રિકેટના ક્ષેત્રે પણ હરમનપ્રીતના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમે અભૂતપૂર્વ સફળતા મેળવી છે. જુલાઈ ૨૦૨૬માં ક્રિકેટના મક્કા ગણાતા ઐતિહાસિક લોર્ડ્સના મેદાન પર રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતીય મહિલા ટીમે ઈંગ્લેન્ડને ૨૭૦ રનથી કારમી હાર આપીને યાદગાર જીત નોંધાવી હતી. વ્યક્તિગત વિશ્વ વિક્રમની વાત કરીએ તો, પુરુષ કે મહિલા ક્રિકેટ જગતમાં ૧૫૦થી વધુ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મેચોમાં કેપ્ટનશીપ કરનાર તેઓ વિશ્વના પ્રથમ સુકાની બન્યા છે. તેમણે અત્યાર સુધીમાં ૧૫૫ મુકાબલાઓમાં ભારતીય ટીમનું કુશળ સુકાન સંભાળ્યું છે.
