નવી દિલ્હીમાં રાજકીય ગરમાવો ત્યારે વધ્યો જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર ભાજપ અને આરએસએસના સમર્થકોને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું હતું. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પોતાની પોસ્ટમાં દાવો કર્યો હતો કે ભાજપ અને આરએસએસના સમર્થકોના હૃદયમાં ડર, ગુસ્સો અને નફરતનું વાતાવરણ છે, જે તેમને પ્રેમ વ્યક્ત કરતા અટકાવે છે. તેમણે પોતાની પોસ્ટના અંતમાં 'સત્યમ શિવમ સુંદરમ' શબ્દોનો ઉપયોગ કર્યો હતો અને સાથે જ કર્નાટકના પ્રસિદ્ધ હેલેબીડુ ખાતે આવેલા હોયસલેશ્વર મંદિરની એક મૂર્તિની તસવીર પણ શેર કરી હતી, જેમાં ભગવાન શિવ અને દેવી પાર્વતી નંદી પર બિરાજમાન દર્શાવવામાં આવ્યા છે. રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને દેશના રાજકારણમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે અને સત્તાધારી પક્ષ દ્વારા તેની સામે તીખી પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે.
રાહુલ ગાંધીની આ પોસ્ટનો કડક જવાબ આપતા ભારતીય જનતા પાર્ટીએ તેમના પર ઈતિહાસની અવગણના કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપે સોશિયલ મીડિયા પર વળતો પ્રહાર કરતા પૂછ્યું કે શું રાહુલ ગાંધી એ વાતથી પરિચિત છે કે હોયસલ સામ્રાજ્યની રાજધાની 'દ્વારસમુદ્ર'નું નામ બદલાઈને 'હેલેબીડુ' એટલે કે 'જૂની રાજધાની' કેમ પડ્યું? ભાજપે ઇતિહાસના પાનાઓ યાદ અપાવતા સવાલ કર્યો કે શું તેઓ એ આક્રમણકારોના નામ કહી શકશે જેમણે આ ઐતિહાસિક નગરને નષ્ટ કર્યું હતું? ભાજપે ખુલાસો કરતા જણાવ્યું કે ૧૩૧૧માં અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ મલિક કાફુર અને ૧૩૨૬-૨૭માં મોહમ્મદ બિન તઘલુકે આ નગર પર આક્રમણ કરીને ભારે તારાજી સર્જી હતી અને મંદિરોની મૂર્તિઓને ખંડિત કરી હતી. પાર્ટીએ કટાક્ષ કર્યો કે હેલેબીડુમાં આજે પણ દેવી-દેવતાઓની મૂર્તિઓ ભગ્ન અવસ્થામાં છે, જેના માટે જવાબદાર આક્રમણકારોની નિંદા કરવાની હિંમત રાહુલ ગાંધીમાં છે ખરી?
આ વિવાદમાં અસમ મંત્રી હિમામતા બિસ્વા સરમાએ પણ ઝંપલાવ્યું હતું અને રાહુલ ગાંધીના નિવેદનની આકરી ટીકા કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે કોઈપણ સામાન્ય માનવી, જેમાં ગાંધી પરિવારના સભ્યો પણ સામેલ છે, તેની તુલના ક્યારેય ભગવાન સાથે કરી શકાય નહીં. મંત્રીએ ઉમેર્યું કે મર્ત્ય માનવીઓને શિવ અને પાર્વતી સમાન ગણવા એ ભક્તિ નથી પરંતુ અહંકારની પરાકાષ્ઠા છે જે પોતાની જાતને દૈવી માને છે. ઉલ્લેખનીય છે કે આ રાજકીય ઘમાસાણ રાહુલ ગાંધી દ્વારા પોતાની માતા સોનિયા ગાંધીના સંસ્મરણો પર આધારિત પુસ્તક વિમોચન પ્રસંગે આપેલા નિવેદનોના એક દિવસ બાદ જ શરૂ થયું છે, જ્યાં તેમણે પોતાના બાળપણના કિસ્સાઓ શેર કર્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમે દેશમાં એકવાર ફ્રિ ઇતિહાસ અને રાજકારણ વચ્ચેની ચર્ચાઓને વેગ આપ્યો છે.
