JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ધર્મ

ઈન્ડોનેશિયાના બાલીમાં નિર્માણ પામી ૫૦ ફૂટ ઊંચી ભગવાન ગણેશની પ્રતિમા, ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું નામ

ઈન્ડોનેશિયાના બાલીમાં નિર્માણ પામી ૫૦ ફૂટ ઊંચી ભગવાન ગણેશની પ્રતિમા, ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું નામ
મુસ્લિમ બહુમતી ધરાવતા દેશ ઈન્ડોનેશિયાના બાલી ખાતે સ્થાપિત ૫૦ ફૂટ ઊંચી ભગવાન ગણેશની અદભુત પ્રતિમાએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. સિન્થેટિક રેટનમાંથી બનેલી આ ભવ્ય શિલ્પકૃતિએ દેશ-વિદેશના પ્રવાસીઓનું ધ્યાન આકર્ષિત કર્યું છે.

વિશ્વના સૌથી મોટા મુસ્લિમ બહુમતી ધરાવતા દેશ ઈન્ડોનેશિયાના મનોહર ટાપુ બાલીમાં કલા અને આસ્થાનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો છે. અહીંના ગિયાન્યાર વિસ્તારમાં અલાસ હરુમ બાલી દ્વારા નિર્મિત આશરે ૫૦ ફૂટ (૫૦ ફૂટ ૨ ઈંચ કે ૧૫.૩૧૫ મીટર) ઊંચી ભગવાન ગણેશની વિશાળ પ્રતિમાએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સત્તાવાર રીતે સ્થાન મેળવ્યું છે. જ્ઞાન, સફળતા, સૌભાગ્ય અને શુભ શરૂઆતના દેવતા ગણાતા વિઘ્નહર્તાની આ પ્રતિમા માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં, પરંતુ પોતાની ભવ્ય કલાકારીગરીને કારણે પણ વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બની છે.

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા આ પ્રતિમાને એક વિશેષ શ્રેણીમાં અદ્ભુત માન્યતા આપવામાં આવી છે. સામગ્રી અને નિર્માણ પદ્ધતિના આધારે ૧૫.૩૧૫ મીટર માપ ધરાવતી આ કલાકૃતિને 'વિશ્વની સૌથી ઊંચી સપોર્ટેડ સિન્થેટિક રેટન શિલ્પકૃતિ' (Tallest Supported Synthetic Rattan Sculpture) તરીકે પ્રમાણિત કરવામાં આવી છે. નવી દિલ્હી સ્થિત ઈન્ડોનેશિયાના દૂતાવાસે સોશિયલ મીડિયાના માધ્યમથી આ ઐતિહાસિક સિદ્ધિની સત્તાવાર પુષ્ટિ કરી છે, જેનાથી કલા જગતમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

આ ભવ્ય પ્રતિમાની સ્થાપના થકી બાલીના સમૃદ્ધ હિન્દુ સાંસ્કૃતિક વારસાને વધુ એક વૈશ્વિક ઓળખ મળી છે. જોકે ઈન્ડોનેશિયા મુસ્લિમ બહુમતીવાળો દેશ છે, પરંતુ તેના સાંસ્કૃતિક તાણાવાણામાં હિન્દુ અને બૌદ્ધ પ્રભાવ ઊંડો રહેલો છે, જેમાં બાલી મુખ્ય કેન્દ્ર સમાન છે. અહીંના જનજીવનમાં રામાયણ અને મહાભારતના પ્રસંગો તેમજ લોકપ્રિય 'કેચક ડાન્સ' જેવી કલાઓ વણાયેલી છે. આ નવો ગિનિસ રેકોર્ડ બાલીના પ્રવાસન અને સાંસ્કૃતિક ગૌરવમાં સોનામાં સુગંધ ભોગવવાનું કામ કરશે.

ધર્મ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES