ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં બનેલી આ ઘટનામાં, એક વ્યક્તિ પર તેની પત્નીને આત્મહત્યા માટે મજબૂર કરવાનો ગંભીર આરોપ લાગ્યો હતો. અગાઉ બારાબંકીની સેશન્સ કોર્ટે 9 માર્ચ 2025ના રોજ આ કેસમાં ચુકાદો આપીને પતિને દોષિત ઠેરવ્યો હતો અને તેને સાત વર્ષની સખત કેદ તથા વીસ હજાર રૂપિયાના દંડની સજા ફટકારી હતી. આ ચુકાદા સામે પતિએ અલ્હાબાદ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. બચાવ પક્ષ તરફથી દલીલ કરવામાં આવી હતી કે મૃતક પત્ની લાંબા સમયથી ક્ષય (ટીબી) રોગથી પીડાતી હતી અને સારવાર છતાં સાજું ન થવાના કારણે તે ગંભીર ડિપ્રેશનમાં સરી પડી હતી. આ ઉપરાંત, કેસના સાક્ષીઓ મૃતકના જ સગા હોવાથી તેમના નિવેદનોમાં વિરોધાભાસ હોવાનું પણ જણાવાયું હતું.
કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ ઝફીર અહેમદે કાયદાકીય દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ અવલોકન કર્યું હતું. અદાલતે જણાવ્યું હતું કે આવેશ કે ગુસ્સામાં આવીને કોઈને 'મરી જા' કે 'જઈને મરી જા' જેવા શબ્દો કહેવા એ દરેક પરિસ્થિતિમાં આત્મહત્યા માટેનું દુષ્પ્રેરણ ગણી શકાય નહીં. આવા શબ્દો કયા સંજોગોમાં, કયા માનસિક ભાવ સાથે અને કયા ઇરાદાથી ઉચ્ચારવામાં આવ્યા છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવી અનિવાર્ય છે. હાઈકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે ભાવનાત્મક ઉશ્કેરાટ કે સામાન્ય બોલાચાલીને ફોજદારી ગુના હેઠળ આપઘાતની ઉશ્કેરણી ન માની શકાય, કારણ કે તેના માટે આરોપીનો ચોક્કસ અપરાધિક ઇરાદો પૂરવાર થવો જરૂરી છે.
અદાલતે એ બાબત પણ નોંધી કે લગ્નના વીસ વર્ષ બાદ પણ પત્નીને ગંભીર શારીરિક કે માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોવાના સમર્થનમાં કોઈ નક્કર પુરાવા, અગાઉની પોલીસ ફરિયાદ કે તબીબી દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા નહોતા. મૃતકના ભાઈના દાવાઓ સામે ખુદ તપાસ અધિકારીએ પુષ્ટિ કરી હતી કે પત્નીના મૃત્યુની જાણકારી પોલીસને સૌથી પહેલાં આરોપી પતિએ જ આપી હતી. આ તમામ તથ્યોને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે આત્મહત્યા થવી અને આત્મહત્યા માટે ઉશ્કેરવું એ બે તદ્દન જુદી બાબતો છે. પૂરતા પુરાવાના અભાવે કોર્ટે સાત વર્ષની સજા ભોગવી રહેલા પતિને મુક્ત કરવાનો હુકમ કર્યો છે.
