ઘટનાની વિગતો અનુસાર, સવારે આશરે દસ વાગ્યાની આસપાસ એક બેકાબૂ કારે વ્હાઇટ હાઉસના ઉત્તર ભાગમાં આવેલા લફાયેટ પાર્ક પાસે સુરક્ષા બેરિકેડ તોડી નાખ્યા હતા અને ફૂટપાથ પર લાગેલા સાઇનપોસ્ટ સાથે અથડાઈ હતી. આ અકસ્માત બાદ કારના બોનેટમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો, જેના કારણે થોડીવાર માટે પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક ધોરણે પગલાં લઈને વ્હાઇટ હાઉસ પરિસરમાં હાજર પત્રકારો અને કર્મચારીઓને સુરક્ષિત જગ્યાએ ચાલ્યા જવાની સૂચના આપી હતી, અને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો.
સિક્રેટ સર્વિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અકસ્માત સર્જનાર વાહનચાલક સુરક્ષાકર્મીઓ સાથે ઉગ્ર અને આક્રમક વર્તન કરી રહ્યો હતો, જો કે તેને ક્ષણભરમાં જ કાબૂમાં લઈને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આ જ દરમિયાન અન્ય એક વ્યક્તિએ લફાયેટ પાર્કના ઉત્તર-પશ્ચિમ ખૂણા પાસે આવેલું સુરક્ષા બેરિકેડ કૂદીને અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, જેને પણ ત્વરિત કાર્યવાહી કરીને ઝડપી લેવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળોએ તકેદારીના ભાગરૂપે વિસ્તારમાં સ્નિફર ડોગ્સની મદદથી સઘન તપાસ હાથ ધરી હતી.
આ સુરક્ષા ભંગની ઘટના બાદ મેટ્રોપોલિટન પોલીસ વિભાગ (MPD) ની બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ટીમને પણ બોલાવવામાં આવી હતી જેથી શંકાસ્પદ વાહનની ઝીણવટભરી તપાસ કરી શકાય. સાવચેતીના પગલે લાફાયેટ પાર્ક તરફ જતા તમામ રસ્તાઓ અને આસપાસના માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. હાલ આ સમગ્ર મામલે સુરક્ષા એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને આ ગંભીર સુરક્ષા ચૂક પાછળનો હેતુ શું હતો તે અંગે વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે.
