વૉશિંગ્ટન ડીસીમાં સ્થિત વિશ્વના સૌથી સુરક્ષિત ગણાતા વ્હાઇટ હાઉસની બિલકુલ સામે આવેલા લાફાયેટ સ્ક્વેરમાં સોમવારે સવારે આ નાટકીય ઘટના બની હતી. ન્યૂયૉર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ, એક સિલ્વર રંગની સેડાન કાર સ્ક્વેરના ઉત્તરી ભાગમાં આવેલા પાકા વિસ્તારમાં બેકાબૂ બનીને ઘૂસી ગઈ હતી અને ત્યાં લાગેલા એક સાઇનપોસ્ટ સાથે ભીષણ ટક્કર મારી હતી. આ અકસ્માત બાદ કારમાંથી ધુમાડો નીકળતો હોવાનું પ્રત્યક્ષદર્શીઓ દ્વારા રેકોર્ડ કરાયેલા વીડિયોમાં નજરે પડ્યું હતું. દુર્ઘટના સર્જાતા જ કાર ચાલક વાહનમાંથી બહાર નીકળ્યો હતો અને સ્થળ પર હાજર સુરક્ષા જવાનો સાથે તેની ઉગ્ર બોલાચાલી તથા મારામારી થઈ હતી. ઘટના સવારે આશરે દસ વાગ્યાની આસપાસ બની હોવાથી આસપાસના વિસ્તારમાં એકાએક ડર અને દોડધામનું વાતાવરણ ઊભું થઈ ગયું હતું.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમેરિકન સિક્રેટ સર્વિસના અધિકારીઓ અને નેશનલ ગાર્ડના જવાનોએ તાત્કાલિક ધોરણે સમગ્ર વિસ્તારને પોતાના ઘેરામાં લઈ લીધો હતો. સુરક્ષા એજન્સીઓએ વ્હાઇટ હાઉસ પ્રેસ કોર્પ્સના સભ્યોને અંદર જ રહેવા અને બહાર ન નીકળવાની કડક સૂચના આપી હતી. ઘટના સમયે દેશના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસ પરિસરની અંદર જ હાજર હોવાથી, કોઈપણ સંભવિત જોખમને ટાળવા માટે સાવચેતીના ભાગરૂપે સમગ્ર વ્હાઇટ હાઉસ પરિસરને અસ્થાયી રૂપે લૉકડાઉન કરી દેવામાં આવ્યું હતું. સુરક્ષાદળો સાથે થયેલી ઝડપ અને મારામારી બાદ સિક્રેટ સર્વિસના જવાનોએ ત્વરિત કાર્યવાહી કરીને કારના ડ્રાઇવરને દબંગાઈપૂર્વક કાબૂમાં લઈને અટકાયત કરી લીધી હતી. જોકે, આ લખાય છે ત્યાં સુધી ડ્રાઇવરની ઓળખ, આ દુર્ઘટના પાછળના ચોક્કસ કારણો કે તેનો હેતુ શું હતો તે અંગે કોઈ અધિકૃત માહિતી બહાર આવી નથી અને સુરક્ષા એજન્સીઓ તેની ઊંડી પૂછપરછ કરી રહી છે.
અમેરિકાના વ્હાઇટ હાઉસની સુરક્ષા વ્યવસ્થા વિશ્વભરમાં અત્યંત કડક અને અદ્યતન સુરક્ષા કવચ તરીકે ઓળખાય છે, જેની મુખ્ય જવાબદારી અમેરિકન સિક્રેટ સર્વિસ સંભાળે છે. રાષ્ટ્ર પ્રમુખ અને તેમના પરિવારની સુરક્ષા માટે પ્રેસિડેન્શિયલ પ્રોટેક્ટિવ ડિવિઝન સતત તૈનાત રહે છે, જ્યારે યુનિફોર્મ્ડ ડિવિઝન આખા પરિસરની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. જ્યારે પણ વ્હાઇટ હાઉસ પર કોઈ હુમલો, શંકાસ્પદ ઘૂસણખોરી, ગોળીબાર કે બોમ્બની આશંકા ઊભી થાય છે, ત્યારે સિક્રેટ સર્વિસ ક્ષણના વિલંબ વગર પોતાની ઇમરજન્સી પ્રોટોકોલ સિસ્ટમ સક્રિય કરી દે છે. આ ઇમરજન્સી સ્થિતિમાં રાષ્ટ્ર પ્રમુખને ત્વરિત સુરક્ષિત સ્થાને ખસેડવાની કાર્યવાહી સાથે ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (ERT), કાઉન્ટર અસૉલ્ટ ટીમ અને સ્નાઇપર યુનિટ્સ કામે લાગી જાય છે. આ ઉપરાંત, બોમ્બ ડિસ્પોઝલ સ્કૉડ અને પ્રશિક્ષિત શ્વાનોની મદદથી શંકાસ્પદ વસ્તુઓની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવે છે.
