કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે હરિયાણાના કરનાલ ખાતે ભાજપ દ્વારા આયોજિત ભવ્ય 'લોકતંત્ર બચાઓ, અરાજકતા હટાઓ' માર્ચનું નેતૃત્વ કર્યું હતું. સેક્ટર ૧૨થી દયાનંદ ચોક સુધી નીકળેલી આ પદયાત્રા અને ત્યારબાદ વિશાળ જનસભાને સંબોધતા તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. શાહે જણાવ્યું હતું કે સંસદ એ લોકશાહીમાં ચર્ચાનું સર્વોચ્ચ સ્થાન છે, પરંતુ રાહુલ ગાંધી સંસદને ચાલવા દેતા નથી અને મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવાને બદલે માત્ર હોબાળો મચાવવો તથા બહિષ્કાર કરવો એ જ કોંગ્રેસની મુખ્ય સંસ્કૃતિ બની ગઈ છે. આ રેલીમાં હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની, કેન્દ્રીય મંત્રી મનોહર લાલ અને સ્મૃતિ ઈરાની સહિતના અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સંબોધન દરમિયાન અમિત શાહે કોંગ્રેસ પર દેશભરમાં અરાજકતા ફેલાવવાનો ગંભીર આરોપ પણ લગાવ્યો હતો. તેમણે પડકાર ફેંકતા કહ્યું હતું કે ૮૦ વર્ષ જૂની આપણી પરિપક્વ લોકશાહી આવી યુક્તિઓથી ગેરમાર્ગે નહીં દોરાય. ભાજપના નેતાઓએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે ભાજપ સંસદથી લઈને વિધાનસભાઓ અને ગામડાઓ સુધી કોંગ્રેસને જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ પ્રસંગે ગૃહમંત્રીએ મતદાર યાદીના વિશેષ સઘન પુનરાવર્તન (SIR) મુદ્દે ચર્ચા કરવા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવાનો પોતાનો પ્રસ્તાવ પણ દોહરાવ્યો હતો અને વિપક્ષને હિંમતપૂર્વક સંસદમાં ચર્ચામાં જોડાવા માટે ખુલ્લો પડકાર ફેંક્યો હતો.
શાહે વધુમાં આક્ષેપ કર્યો હતો કે ભાજપનો સંકલ્પ મતદાર યાદીમાંથી ઘુસણખોરોની ઓળખ કરીને તેમને દૂર કરવાનો છે, જ્યારે 'ઇન્ડિયા' ગઠબંધન આવા તત્વોને બચાવવાના પ્રયાસો કરી રહ્યું છે. તેમણે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની વિદેશી મુલાકાતો અંગે પણ સ્પષ્ટતા માંગી હતી કે જનતાને તેમના નેતાઓ વિશે જાણવાનો પૂરો અધિકાર છે. નોંધનીય છે કે ભાજપ અને વિપક્ષી પક્ષો વચ્ચે લોકશાહી સંસ્થાઓની કામગીરી અને ચૂંટણીની અનિયમિતતાઓને લઈને ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે અમિત શાહનું આ નિવેદન ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
