JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
શિક્ષણ

સુરતની સાર્વજનિક લો કોલેજમાં રેગિંગનો ગંભીર મામલો: વિદ્યાર્થીને અમાનવીય ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી

Oct 05, 2026 | 17:25 | By JAMNAGAR MIRROR
સુરતની સાર્વજનિક લો કોલેજમાં રેગિંગનો ગંભીર મામલો: વિદ્યાર્થીને અમાનવીય ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી

સુરત શહેરના શિક્ષણ જગતને કલંકિત કરતી એક અત્યંત ચિંતાજનક ઘટના સામે આવી છે. શહેરની નામાંકિત સાર્વજનિક લો કોલેજમાં રેગિંગનું દૂષણ ફરી એકવાર સપાટી પર આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. જ્યાં કાયદાનું જ્ઞાન આપવામાં આવે છે તેવા વિદ્યાધામમાં જ કાયદાના લીરેલીરા ઉડાડતો કિસ્સો બન્યો છે. કોલેજમાં અભ્યાસ કરતા એક યુવાન વિદ્યાર્થી સાથે અન્ય ત્રણ વિદ્યાર્થીઓએ મળીને રેગિંગ કરી અમાનવીય વર્તન આચર્યું હોવાની વિગતો બહાર આવતાં સમગ્ર શૈક્ષણિક કેમ્પસ અને વિદ્યાર્થી આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

ભોગ બનનાર વિદ્યાર્થીના જણાવ્યા અનુસાર, આરોપી ત્રણેય વિદ્યાર્થીઓ દ્વારા તેને સતત માનસિક યાતના આપવામાં આવતી હતી અને તેની સાથે અત્યંત હીન કક્ષાનું વર્તન કરવામાં આવતું હતું. એટલું જ નહીં, ઉદ્ધત વિદ્યાર્થીઓએ એવી ધમકી પણ આપી હતી કે જો તે આ બાબતે કોઈને પણ જાણ કરશે તો તેને જાહેરમાં જાનથી મારી નાખવામાં આવશે. સતત ભય અને અસહ્ય ત્રાસના ઓછાયા હેઠળ જીવતા આ યુવાને આખરે હિંમત ભેગી કરી સમગ્ર આપવીતી અંગે કોલેજના આચાર્યને લેખિતમાં સત્તાવાર ફરિયાદ કરી ન્યાયની માંગ કરી છે.

વિદ્યાર્થીની લેખિત ફરિયાદ મળતાં જ સાર્વજનિક લો કોલેજ પ્રશાસન તાત્કાલિક હરકતમાં આવ્યું છે. કોલેજની એન્ટિ-રેગિંગ કમિટી અને શિસ્ત સમિતિ દ્વારા આ ગંભીર મામલાની તટસ્થ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. કોલેજ સત્તાધીશો દ્વારા સંબંધિત તમામ પક્ષોની પૂછપરછ હાથ ધરાઈ છે. રેગિંગ કરનાર ત્રણેય કસૂરવાર વિદ્યાર્થીઓ સામે કડક શિસ્તભંગના પગલાં લેવાની સાથે જરૂર પડ્યે પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કડક કાર્યવાહી કરવાની પ્રક્રિયા પણ વિચારણા હેઠળ છે.

LATEST ARTICLES