JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

માઈકલ જેકસનની પુત્રી પેરિસ જેકસને એસ્ટેટ પાસેથી ૬૦૦ મિલિયન ડોલરની માગ કરી

Nov 03, 2026 | 15:16 | By JAMNAGAR MIRROR
માઈકલ જેકસનની પુત્રી પેરિસ જેકસને એસ્ટેટ પાસેથી ૬૦૦ મિલિયન ડોલરની માગ કરી
મહાન પૉપ સ્ટાર માઈકલ જેકસનની પુત્રી પેરિસ જેકસને તેમના પારિવારિક ટ્રસ્ટમાં ૬૦૦ મિલિયન ડોલરના હસ્તાંતરણ માટે કોર્ટમાં અરજી કરી છે. તેણે એસ્ટેટના વહીવટકર્તાઓ પર ભંડોળ રોકવાનો અને વસિયતનામું ન પાળવાનો ગંભીર આરોપ મૂક્યો છે.

દિવંગત પૉપ સમ્રાટ માઈકલ જેકસનની પુત્રી અને ગાયિકા-અભિનેત્રી પેરિસ જેકસને લોસ એન્જલસ સુપેરિયર કોર્ટમાં એક અરજી દાખલ કરીને સનસનાટી મચાવી દીધી છે. પેરિસ જેકસને પોતાના પિતાની એસ્ટેટના એક્ઝિક્યુટર (વહીવટકર્તા) જ્હોન બ્રાન્કા સામે કાનૂની લડાઈ છેડતા પરિવારના ટ્રસ્ટમાં ૬૦૦ મિલિયન ડોલર ટ્રાન્સફર કરવાની માંગ કરી છે. તેનું કહેવું છે કે વર્ષોથી એસ્ટેટ દ્વારા મબલખ આવક થવા છતાં અને કરોડો રૂપિયા કમાવા છતાં, તેના પિતા દ્વારા સ્થાપિત ફેમિલી ટ્રસ્ટને હજુ સુધી પૂરતું ફંડ આપવામાં આવ્યું નથી. પેરિસનો આરોપ છે કે જ્હોન બ્રાન્કા એસ્ટેટના નાણાં પર એકાધિકાર જમાવીને બેઠા છે અને બાળકોને મળવાપાત્ર રકમની વહેંચણીમાં જાણી જોઈને વિલંબ કરી રહ્યા છે.

માઈકલ જેકસનના વસિયતનામા મુજબ, તેમના બાળકો ૨૧ વર્ષની ઉંમર વટાવ્યા બાદ ટ્રસ્ટમાંથી નિશ્ચિત હિસ્સો મેળવવા માટે હકદાર હતા અને ૩૦ તથા ૩૫ વર્ષની ઉંમરે બાકીની રકમ મળવાની હતી. પરંતુ, પેરિસનો આક્ષેપ છે કે એક્ઝિક્યુટરોએ આ નિયમોનું પાલન કરવાને બદલે પોતાના અંગત વિવેકબુદ્ધિથી બાળકોને ખૂબ જ ઓછી રકમ આપી છે. એટલું જ નહીં, જ્યારે તેણે ગત વર્ષે આ વહીવટી ગેરરીતિઓ સામે કાનૂની સહાય લીધી, ત્યારે તેને અને તેના ભાઈઓ પ્રિન્સ તથા બિગીને મળતી રકમમાં લાખો ડોલરનો ઘટાડો કરવામાં આવ્યો હતો. પેરિસે એવો પણ દાવો કર્યો છે કે એસ્ટેટે અત્યાર સુધીમાં ટેક્સ પહેલાં અંદાજે ૧ અબજ ડોલરની કમાણી કરી છે, તેથી બાકી રહેલા ટેક્સ વિવાદો કે કાનૂની કાર્યવાહીના બહાને નાણાં રોકી રાખવા અયોગ્ય છે.

બીજી બાજુ, માઈકલ જેકસન એસ્ટેટના પ્રતિનિધિઓએ પેરિસ જેકસનના તમામ આરોપોને સદંતર ફગાવી દીધા છે અને તેને પાયાવિહોણા ગણાવ્યા છે. એસ્ટેટના જણાવ્યા મુજબ, યુએસ ટેક્સ ઓથોરિટી (IRS) સાથેના લાંબા અને જટિલ કાનૂની વિવાદોને કારણે ટ્રસ્ટને સંપૂર્ણ ફંડ આપવાનું મુશ્કેલ બન્યું હતું, કારણ કે IRS દ્વારા ૭૦૦ મિલિયન ડોલરના ટેક્સ અને દંડની માંગણી કરવામાં આવી હતી. જોકે, એસ્ટેટે દાવો કર્યો છે કે તેમણે આ રકમ ઘટાડવામાં મોટી સફળતા મેળવી છે, પરંતુ વિવાદ હજુ સંપૂર્ણપણે ઉકેલાયો નથી. એસ્ટેટે એમ પણ સ્પષ્ટ કર્યું છે કે પેરિસના એ દાવાઓ તદન ખોટા છે કે નાણાં રોકી રાખવામાં આવ્યા છે, કારણ કે અત્યાર સુધીમાં બાળકોના કલ્યાણ માટે ૨૦૦ મિલિયન ડોલરથી વધુની રકમ પહેલેથી જ વહેંચવામાં આવી છે. આ મામલે આગામી ડિસેમ્બરમાં કોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

LATEST ARTICLES