JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

પૉપ કિંગ માઈકલ જેક્સનની પુત્રી પેરિસ જેક્સનની એસ્ટેટ પાસેથી ૬૦૦ મિલિયન ડોલરની માંગ

Nov 03, 2026 | 15:01 | By JAMNAGAR MIRROR
પૉપ કિંગ માઈકલ જેક્સનની પુત્રી પેરિસ જેક્સનની એસ્ટેટ પાસેથી ૬૦૦ મિલિયન ડોલરની માંગ
મહાન ગાયક માઈકલ જેક્સનના અવસાનના લગભગ ૧૭ વર્ષ બાદ તેમની પુત્રી પેરિસ જેક્સને ફેમિલી ટ્રસ્ટમાંથી ૬૦૦ મિલિયન ડોલરના ભંડોળ હસ્તાંતરણ માટે કોર્ટમાં અરજી કરી છે. એસ્ટેટના સંચાલકો પર નાણાકીય નિયંત્રણ અને વિલની શરતોના ભંગના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.

લોસ એન્જલસ સુપેરિયર કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી મુજબ, પેરિસ જેક્સને એસ્ટેટના એક્ઝિક્યુટર જ્હોન બ્રાન્કા સામે મોરચો ખોલ્યો છે. તેણીનો આક્ષેપ છે કે માઈકલ જેક્સનની સંપત્તિમાંથી કરોડોની કમાણી થવા છતાં, જે ફેમિલી ટ્રસ્ટ તેણી અને તેના ભાઈઓ પ્રિન્સ તથા બિગીના કલ્યાણ માટે બનાવવામાં આવ્યું હતું, તેમાં પૂરતું ભંડોળ આપવામાં આવ્યું નથી. પેરિસના વકીલો દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજોમાં જણાવવામાં આવ્યું છે કે બ્રાન્કા એસ્ટેટના ભંડોળ પર અત્યંત કઠોર નિયંત્રણ રાખી રહ્યા છે અને બાળકોને મળવાપાત્ર નાણાકીય હિસ્સો આપવામાં જાણી જોઈને વિલંબ કરી રહ્યા છે. માઈકલ જેક્સનની વસિયતનામું (વિલ) સ્પષ્ટપણે નિર્ધારિત કરે છે કે સંતાનો ચોક્કસ વયમર્યાદા (જેમ કે ૨૧, ૩૦ અને ૩૫ વર્ષ) વટાવ્યા બાદ ટ્રસ્ટમાંથી નિશ્ચિત રકમ મેળવવા માટે હકદાર બનશે, પરંતુ આ જોગવાઈઓનું પાલન થતું નથી તેવું અરજીમાં જણાવાયું છે.

આ વિવાદ માત્ર ભંડોળના હસ્તાંતરણ પૂરતો મર્યાદિત નથી, પરંતુ એસ્ટેટના વહીવટ અને નાણાકીય પારદર્શિતા પર પણ ગંભીર સવાલો ઉભા કરે છે. પેરિસ જેક્સને ગત વર્ષે જ્યારે વહીવટી બાબતો સામે કાનૂની સહાય લીધી હતી, ત્યારે તેને અને તેના ભાઈઓને મળતી રકમમાં મિલિયન ડોલરનો ઘટાડો કરવામાં આવ્યો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, એક્ઝિક્યુટરે કાનૂની કરારો બહારના સાથીદારોને ગિફ્ટ આપી હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. પેરિસના મતે, કરવેરા પૂર્વે એસ્ટેટની કુલ કમાણી અંદાજે ૧ અબજ ડોલર સુધી પહોંચી ચૂકી છે, જેથી ચાલુ ટેક્સ કાર્યવાહી કે અન્ય કેસોના બહાને બાળકોને તેમના હકથી વંચિત રાખી શકાય નહીં. એસ્ટેટ પાસે પૂરતા નાણાં હોવા છતાં વિલની ભાવના વિરુદ્ધ મનસ્વી રીતે નાના પ્રમાણમાં નાણાં આપવામાં આવી રહ્યા છે.

બીજી બાજુ, માઈકલ જેક્સનની એસ્ટેટના પ્રતિનિધિઓએ આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે અને પેરિસના દાવાઓને પાયા વિહોણા ગણાવ્યા છે. એસ્ટેટના જણાવ્યા અનુસાર, અમેરિકી ટેક્સ ઓથોરિટી (IRS) સાથેના લગભગ ૭૦૦ મિલિયન ડોલરના ટેક્સ અને દંડના પેન્ડિંગ વિવાદોને કારણે ટ્રસ્ટને સંપૂર્ણપણે ફંડ કરવું અત્યારે કાનૂની દ્રષ્ટિએ જટિલ બન્યું છે. જો કે, તેમણે આ ટેક્સ રકમમાં નોંધપાત્ર ઘટાડો મેળવવામાં સફળતા મેળવી છે, પરંતુ કાર્યવાહી હજુ પૂર્ણ થઈ નથી. એસ્ટેટે એમ પણ સ્પષ્ટ કર્યું કે અત્યાર સુધીમાં પેરિસ અને અન્ય લાભાર્થીઓને ૨૦૦ મિલિયન ડોલરથી વધુની રકમ વિતરિત કરવામાં આવી છે અને ચૂકવણીમાં ઘટાડો કરવાના આક્ષેપો સંપૂર્ણપણે બનાવટી છે. આ મામલે આગામી ડિસેમ્બરમાં કોર્ટમાં વધુ સુનાવણી યોજાનાર છે, જ્યાં આ હાઈ-પ્રોફાઈલ કાનૂની લડાઈનો અંત લાવવા માટે આગળની ચર્ચા થશે.

LATEST ARTICLES