ઘટનાની વિગતો આપતાં ડીએમકે સાંસદ પી. વિલ્સને જણાવ્યું હતું કે તેઓ અન્ય ત્રણ સંસદસભ્યો અને 67 અન્ય મુસાફરો સાથે સંયુક્ત સંસદીય સમિતિની જનસુનાવણીમાં ભાગ લેવા માટે કોલકાતાથી શિલોંગની ઇન્ડિગો ફ્લાઇટ (6E 7423)માં સવાર થયા હતા. વિમાન જ્યારે પાર્કિંગ બે થી રનવે તરફ ટેક્સીંગ કરી રહ્યું હતું ત્યારે અચાનક જ અટકી ગયું હતું. ટેક-ઓફ પહેલા જ પ્લેનનું એક એન્જિન ફેઇલ થઈ ગયું હતું અને તેને બંધ કરવું પડ્યું હતું. આ ગંભીર તકનીકી ખામીના કારણે મુસાફરો આશરે બે કલાક સુધી વિમાનની અંદર જ ફસાયા રહ્યા હતા, અને ત્યારબાદ પાયલટે ફ્લાઇટ રદ થયાની જાહેરાત કરી હતી.
આ બનાવ બાદ સોશિયલ મીડિયા પર આક્રમક પ્રતિક્રિયા આપતા સાંસદે સવાલ કર્યો હતો કે જો વિમાન અસુરક્ષિત હતું, તો તેને ડીજીસીએ (DGCA) દ્વારા એરવર્થનેસ સર્ટિફિકેટ કેવી રીતે આપવામાં આવ્યું? તેમણે આને નિયમોનું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું હતું. વિલ્સને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામ મોહન નાયડુને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે. તેમણે દેશભરમાં સંચાલિત તમામ વિમાનોના યોગ્યતા પ્રમાણપત્રોની નિષ્પક્ષ સમીક્ષા કરવા અને મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે અચાનક સરપ્રાઈઝ ઇન્સ્પેક્શન (સૂરપ્રાઈઝ ચેકિંગ) હાથ ધરવા પર ભાર મૂક્યો છે.
સાંસદે કેટલાક વિમાન ઓપરેટરો અને ડીજીસીએના અધિકારીઓ વચ્ચે કથિત 'અપવિત્ર સાંઠગાંઠ' હોવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો હતો, જેના કારણે અસુરક્ષિત વિમાનો આકાશમાં ઉડી રહ્યા છે. તેમણે ચેતવણી આપી હતી કે જો મધઆકાશમાં વિમાનમાં આવી તકનીકી ખામી સર્જાય તો મોટી દુર્ઘટના થઈ શકે છે. એરવર્થનેસ સર્ટિફિકેટ એ વિમાનની ઉડાન યોગ્યતાની મૂળભૂત ખાતરી છે, અને તેમાં કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવાય નહીં. વિલ્સને માંગ કરી છે કે આ મામલે કસૂરવારો સામે સખત કાર્યવાહી થવી જોઈએ અને દોષિત અધિકારીઓને નોકરીમાંથી બરતરફ કરવા જોઈએ.
