JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

મહારાષ્ટ્રના જલગાંવમાં ૩૬.૪ કરોડની બેંક લૂંટનો પર્દાફાશ: ૧૭ કિમીના ફિલ્મી પીછો બાદ ચારેય આરોપી ઝડપાયા

Nov 02, 2026 | 13:41 | By JAMNAGAR MIRROR
મહારાષ્ટ્રના જલગાંવમાં ૩૬.૪ કરોડની બેંક લૂંટનો પર્દાફાશ: ૧૭ કિમીના ફિલ્મી પીછો બાદ ચારેય આરોપી ઝડપાયા
મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાની એક રાષ્ટ્રીયકૃત બેંકમાં ૨૭ કિલો સોનું અને રોકડ લૂંટીને ભાગી રહેલા ચાર શખ્સોને ગ્રામજનો અને પોલીસની સતર્કતાથી ગણતરીના કલાકમાં જ ઝડપી લેવામાં આવ્યા છે. ૧૭ કિમી સુધી ફિલ્મીઢબે પીછો કરીને પોલીસે સમગ્ર લૂંટનો મુદ્દામાલ સુરક્ષિત રીતે કબજે કર્યો છે, જેમાં પૂર્વ પોલીસકર્મી પણ સામેલ હોવાનું ખૂલ્યું છે.

ઘટનાની વિગતો અનુસાર, મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના ભોકર ગામમાં આવેલી બેંકમાં બપોરના સુમારે હેલ્મેટ અને રૂમાલથી ચહેરા છુપાવીને આવેલા ચાર શખ્સોએ દરોડો પાડ્યો હતો. આ લૂંટારુઓએ બેંકના સ્ટાફને બંદૂકની અડે ડરાવી, લાકડીઓથી મારઝૂડ કરી અને ફાયરિંગ પણ કર્યું હતું. ડરના માહોલ વચ્ચે લૂંટારુઓએ બેંકના સ્ટ્રોંગ રૂમમાંથી ૧૨.૩ લાખ રૂપિયા રોકડ અને ગીરવે મુકાયેલું આશરે ૩૬.૪ કરોડ રૂપિયાની કિંમતનું ૨૭ કિલો સોનું વિવિધ થેલોમાં ભરી લીધું હતું. જતાં પહેલાં તેઓએ તમામ કર્મચારીઓને બાંધીને એક રૂમમાં પૂરી દીધા હતા, જેથી કોઈ તાત્કાલિક બહાર આવી ન શકે.

જો કે, બેંકના બે કર્મચારીઓએ સાહસ દાખવીને ટૂંક સમયમાં જ પોતાના બંધનો છોડાવી લીધા હતા અને બહાર આવીને ગ્રામજનોને આ ઘટનાની જાણ કરી હતી. બસ પછી તો શું, ભોકર ગામના યુવાનો અને ગ્રામજનો પોતાના મોટરસાઇકલ લઈને લૂંટારુઓની પાછળ પડી ગયા હતા. આસપાસના ગામોના લોકો અને સ્થાનિક પોલીસ પાટીલો પણ સક્રિય થઈ ગયા હતા અને તમામ રસ્તાઓ પર નાકાબંધી કરી દેવામાં આવી હતી. ગ્રામજનો અને પોલીસની આ સંયુક્ત ટીમે ગ્રામીણ વિસ્તારોના રસ્તાઓ પર અંદાજે ૧૭ કિલોમીટર સુધી આ લૂંટારુઓનો રોમાંચક પીછો કર્યો હતો, જેણે સમગ્ર ઘટનાને ફિલ્મી મોડ આપી દીધો હતો.

આ સાહસિક પીછો અને સમયસરની નાકાબંધીના પરિણામે દીકસાઈ ગામ પાસેથી બે આરોપીઓ પકડાયા હતા, જેમની પૂછપરછ બાદ બાકીના બે સાથીદારો પણ ઝડપાઈ ગયા હતા. પકડાયેલા ચારેય આરોપીઓ કુખ્યાત ગુનેગારો હોવાનું બહાર આવ્યું છે, જેમાં એક આરોપી શંકર જસાક બરતરફ કરાયેલ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર છે જે અગાઉ પણ બેંક લૂંટના કેસમાં સંડોવાયેલો હતો. પોલીસ અને ગ્રામજનોની આ અદ્ભુત સૂઝબૂઝ અને ઝડપી કાર્યવાહીને કારણે ૩૬.૪ કરોડનું સોનું અને રોકડ સુરક્ષિત મળી આવ્યા હતા, અને ઉત્કૃષ્ટ કામગીરી માટે જિલ્લા પોલીસ વડા દ્વારા આ સાહસી ગ્રામજનોનું સન્માન કરવામાં આવ્યું હતું.

LATEST ARTICLES