બ્રસેલ્સમાં યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકો દરમિયાન ભારતના વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે યુરોપિયન કમિશનના વરિષ્ઠ અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. ડીજી ટ્રેડના ડાયરેક્ટર-જનરલ ડિટે જુુલ જોર્ગેનસન સાથેની બેઠકમાં બંને પક્ષોએ દ્વિપક્ષીય વેપારને સુવિધાજનક બનાવવા, બજારની પહોંચ સુધારવા અને સપ્લાય ચેઇનની મજબૂતી પર ભાર મૂક્યો હતો. ભારત અને EU એ એક ન્યાયી, સંતુલિત અને પરસ્પર લાભદાયી કરાર પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુનઃસ્વીકાર કર્યો હતો, જેથી વ્યવસાયિક તકોનું નિર્માણ થઈ શકે. આ ઉપરાંત, ડીજી ટેક્સડના ડાયરેક્ટર-જનરલ ગેરાસિમૉસ થોમસ સાથેની અલગ બેઠકમાં કસ્ટમ્સ સહયોગ અને પારદર્શક ડિજિટલ પ્રક્રિયાઓ દ્વારા વ્યવસાયોના ખર્ચ ઘટાડવા અંગે પણ સાર્થક ચર્ચા કરવામાં આવી હતી.
આ મુક્ત વેપાર કરાર (FTA) ની વાટાઘાટો 27 જાન્યુઆરી, 2026 ના રોજ 16મી ભારત-EU શિખર સંમેલનમાં પૂર્ણ થઈ હતી, અને હાલમાં ડિસેમ્બર 2026 ના મધ્યમાં તેની પ્રસ્તાવિત સહી પહેલા કાનૂની ચકાસણીમાંથી પસાર થઈ રહ્યો છે. મધ્ય 2027 સુધીમાં તેના સંપૂર્ણ અમલીકરણનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જે હેઠળ યુરોપિયન યુનિયન દ્વારા ભારતીય નિકાસ પરના 99 ટકાથી વધુ ટેરિફને નાબૂદ કરવામાં આવશે. આનાથી કાપડ, ચામડા અને જ્વેલરી જેવા શ્રમ-સઘન ક્ષેત્રોને મોટો ફાયદો થશે. સામે પક્ષે, ભારત પણ યુરોપિયન ચીજવસ્તુઓ પરની જકાતમાં ઘટાડો કરશે, જેમાં ઓટોમોબાઈલ ક્ષેત્ર માટે પણ નિયત ક્વોટા અંતર્ગત રાહતો આપવામાં આવશે.
વેપાર વાટાઘાટો ઉપરાંત, વાણિજ્ય સચિવે એન્ટવર્પ ડાયમંડ ઇકોસિસ્ટમના પ્રતિનિધિઓ સાથે રત્ન અને આભૂષણ ક્ષેત્રે સહયોગ વધારવા અંગે ચર્ચા કરી હતી તેમજ બિઝનેસ યુરોપ રાઉંડટેબલ દ્વારા યુરોપિયન ઉદ્યોગ જગતને ભારતમાં રોકાણ માટે આમંત્રિત કર્યા હતા. વર્ષ 2024-25 દરમિયાન ભારત અને EU વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર આશરે 136.54 અબજ ડોલર (રૂ. 11.5 લાખ કરોડ) નોંધાયો છે, જ્યારે સેવા ક્ષેત્રનો વેપાર 83.10 અબજ ડોલર સુધી પહોંચ્યો છે. છેલ્લા એક દાયકામાં બમણો થયેલો આ વેપાર દર્શાવે છે કે FTA ના પૂર્ણ અમલીકરણ બાદ આ આર્થિક ભાગીદારી વૈશ્વિક સ્તરે વધુ મજબૂત અને વિસ્તૃત બનશે.
