દિલ્હી-એનસીઆરના એક ઉચ્ચ શિક્ષિત ટેચી દંપતીએ આવકવેરા વિભાગને ચૂનો લગાવવા માટે જે કીમતાઓ અપનાવી તે જાણીને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. આ આઈટી પ્રોફેશનલ અને તેની પત્નીએ માત્ર પાંચ વર્ષના ટૂંકા ગાળામાં અંદાજે ૫.૩ કરોડ રૂપિયાની ટેક્સ ચોરી આચરવા માટે અત્યંત ચાલાકીપૂર્વક ડિજિટલ છેતરપિંડીનો સહારો લીધો હતો. સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે પત્નીના ઇન્કમ ટેક્સ રિટર્નમાં એક રાજકીય પક્ષને આપેલા દાન બદલ ૪૦ લાખ રૂપિયાથી વધુની જંગી ટેક્સ છૂટનો દાવો કરવામાં આવ્યો. વાસ્તવિકતા એ હતી કે મહિલાએ સત્તાવાર રીતે માત્ર ૫૦ રૂપિયાનું જ દાન આપ્યું હતું, પરંતુ આ સામાન્ય રસીદને ડિજિટલ માધ્યમથી એડિટ કરીને ૪૦ લાખ રૂપિયા દર્શાવવામાં આવી હતી. એટલું જ નહીં, આ કૌભાંડને છુપાવવા અને ટેક્સ બચાવવા માટે પતિએ આ નકલી રસીદોને સમર્થન આપવા માટે પોતાના બેંક સ્ટેટમેન્ટ્સ સાથે પણ છેડછાડ કરી હતી, જેમાં ક્રેડિટ કાર્ડના બિલ અને લોનની ચૂકવણી જેવા વ્યવહારોને રાજકીય દાન તરીકે ખપાવી દેવામાં આવ્યા હતા.
આ કૌભાંડની સીમા માત્ર રાજકીય દાન પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ દંપતીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે ChatGPT નો ઉપયોગ કરીને એક નવું જ શૈક્ષણિક કૌભાંડ પણ આચર્યું હતું. તપાસમાં ખુલાસો થયો છે કે દંપતીએ અમેરિકાની પ્રખ્યાત યેલ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરવાના નામે આશરે ૩ કરોડ રૂપિયાના એજ્યુકેશન લોન વ્યાજની ટેક્સ છૂટ મેળવવા માટે એક બનાવટી પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. જ્યારે આવકવેરા વિભાગે ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી કે આ પરિવારના કોઈ પણ સભ્યે ક્યારેય યેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો જ નથી અને રજૂ કરાયેલું સર્ટિફિકેટ સંપૂર્ણપણે બનાવટી હતું. આ ઉપરાંત, મકાન લોન અને તેના વ્યાજમાંથી છૂટ મેળવવા માટે પણ બંને પતી-પત્નીએ એક જ પ્રોપર્ટીને પોતાની સ્વ-કબજાવાળી હોવાનું દર્શાવીને અલગ-અલગ મોટા દાવા કર્યા હતા. હકીકતમાં આ પ્રોપર્ટી ભાડે આપવામાં આવી હતી અને તેનાથી દર વર્ષે ૧૦ થી ૧૬ લાખ રૂપિયાની આવક થતી હોવા છતાં, તે આવકને ઇન્કમ ટેક્સ રિટર્નમાં જાણીજોઈને છુપાવવામાં આવી હતી.
જ્યારે આવકવેરા વિભાગની નોટિસ અને તપાસનો ગાળો કસ્વાયો ત્યારે પતિએ બચવા માટે પેંતરો બદલ્યો અને રાજકીય દાનની કલમ 80GGC હેઠળના દાવાને બદલીને તેને ચેરિટેબલ ટ્રસ્ટને આપેલા દાનની કલમ 80G હેઠળ ખસેડી દીધો, પરંતુ ટેક્સ છૂટનો દાવો રદ્દ કર્યો નહીં. તપાસમાં એ પણ સામે આવ્યું કે ટેક્સ ચોરીની આ કાળા નાણાની રકમમાંથી દંપતીએ અંદાજે અડધો ડઝન જેટલી નવી પ્રોપર્ટીઝ પણ ખરીદી લીધી હતી. આ ગંભીર નાણાકીય અનિયમિતતાઓ અને ડિજિટલ છેતરપિંડી પકડાઈ ગયા બાદ હવે આવકવેરા વિભાગ દ્વારા આ દંપતી સામે ભારે દંડ ફટકારવાની સાથે કાયદેસરની કડક દંડાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જે અન્ય ટેક્સ ચોરો માટે પણ એક મોટો દાખલો બની રહી છે.
