JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

ડિસેમ્બરમાં થનારા ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર અંગે નવી દિલ્હી અને બ્રસેલ્સ વચ્ચે ઉચ્ચસ્તરીય બેઠકો યોજાઈ

Nov 02, 2026 | 13:37 | By JAMNAGAR MIRROR
ડિસેમ્બરમાં થનારા ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર અંગે નવી દિલ્હી અને બ્રસેલ્સ વચ્ચે ઉચ્ચસ્તરીય બેઠકો યોજાઈ
આગામી ડિસેમ્બરમાં સહી થનાર ભારત-EU ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ના અમલીકરણ અને વેપાર સુગમતા અંગે બ્રસેલ્સમાં મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી છે. આ કરારથી ભારતના શ્રમ-સઘન ક્ષેત્રોને ડ્યુટી-ફ્રી એક્સેસ મળશે અને આર્થિક સંબંધો વધુ મજબૂત બનશે.

ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે આગામી ડિસેમ્બર મહિનામાં સહી થનાર મહત્વપૂર્ણ મુક્ત વેપાર કરાર (FTA)ના અમલીકરણ સંબંધિત મુદાઓ પર બ્રસેલ્સ ખાતે વિસ્તૃત મંત્રણાઓ યોજાઈ હતી. ભારતના વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે ગત સપ્તાહે બ્રસેલ્સની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે યુરોપિયન કમિશનના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો યોજી હતી. આ બેઠકોમાં વેપાર, આર્થિક સુરક્ષા, આંતરરાષ્ટ્રીય ભાગીદારી અને કરવેરા તથા કસ્ટમ્સ યુનિયનના મહાનિર્દેશાલયના વડાઓ સાથે વેપાર સુગમતા અને કસ્ટમ્સ સહકાર અંગે સઘન ચર્ચાઓ કરવામાં આવી હતી.

વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંને પક્ષોએ વ્યવસાયોને ટેકો આપવા, ટ્રાન્ઝેક્શન ખર્ચ ઘટાડવા અને કાયદેસરના વેપારની સરળ અવરજવર સુનિશ્ચિત કરવા માટે કાર્યક્ષમ, પારદર્શક અને ડિજિટલ રીતે સક્ષમ કસ્ટમ્સ પ્રક્રિયાઓના મહત્વને સ્વીકાર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 27 જાન્યુઆરીના રોજ બંને પક્ષો દ્વારા આ કરાર માટેની વાટાઘાટો પૂર્ણ થઈ હોવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ઐતિહાસિક કરાર અમલમાં આવવાથી ભારતના ચામડા, ટેક્સટાઈલ અને રત્ન-આભૂષણો જેવા શ્રમ-સઘન ક્ષેત્રોને યુરોપિયન બજારમાં ડ્યુટી-ફ્રી (જકાત મુક્ત) પ્રવેશનો મોટો લાભ મળશે.

આ મુલાકાત દરમિયાન વાણિજ્ય સચિવે એન્ટવર્પ ડાયમંડ ઇકોસિસ્ટમ સાથે સંકળાયેલા હિસ્સેદારો અને ડાયમંડ ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે પણ મહત્વની બેઠક યોજી હતી. જેમાં વૈશ્વિક હીરા મૂલ્ય શૃંખલા, સર્ટિફિકેશન, ટ્રેસેબિલિટીની જરૂરિયાતો, જવાબદાર સોર્સિંગ અને ભારતના વિકસતા હીરા બજાર તથા મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમમાંથી ઉભી થતી તકો પર ચર્ચા કરવામાં આવી હતી. ભારત અને બેલ્જિયમે રત્ન અને આભૂષણોના ક્ષેત્રમાં ગાઢ સહયોગ પર વિશેષ ભાર મૂક્યો છે, જેમાં એન્ટવર્પ, મુંબઈ અને સુરત વિશ્વના મુખ્ય ડાયમંડ સેન્ટર તરીકે વૈશ્વિક સ્તરે અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યા છે.

LATEST ARTICLES