દિલ્હીમાં ૧ નવેમ્બરથી શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને પ્રદૂષણ નિયંત્રણના કડક પગલાંઓ અમલમાં મૂકવામાં આવ્યા છે, પરંતુ તેના પ્રથમ જ દિવસે રાજધાનીની હવાની ગુણવત્તા કથળીને આ સીઝનમાં પ્રથમવાર 'ખૂબ જ ખરાબ' (Very Poor) શ્રેણીમાં સરકી ગઈ છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના અહેવાલ મુજબ સવારે ૧૦ વાગ્યે એકંદર એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ૩૧૪ નોંધાયો હતો. એસક્યુઆઇ સ્કેલ મુજબ ૩૦૧ થી ૪૦૦ સુધીનો આંકડો 'ખૂબ જ ખરાબ' હવા દર્શાવે છે, જેનો અર્થ એ થાય કે દિલ્હીમાં હવે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)ના સ્ટેજ-૨ ના નિયમો અનિવાર્યપણે લાગુ થઈ ગયા છે. આર.કે. પુરમ, અક્ષરધામ, ઇન્ડિયા ગેટ, આઈટીઓ અને અલીપુર જેવા મુખ્ય વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર ખૂબ ઊંચું નોંધાયું છે, જ્યાં AQI ૩૫૦ થી ૩૮૨ સુધી પહોંચી ગયો હતો.
હવામાનની આ ગંભીર સ્થિતિને પહોંચી વજવા માટે દિલ્હી સરકારે વિન્ટર એક્શન પ્લાન અંતર્ગત અનેક પ્રતિબંધો અને નિયમો લાગુ કર્યા છે, જે આગામી ૨૮ ફેબ્રુઆરી સુધી વિવિધ તબક્કે અમલમાં રહેશે. વાહનોમાંથી નીકળતા ધુમાડાને નિયંત્રિત કરવા માટે દિલ્હી બહારથી આવતા અને BS-VI ધોરણો ન ધરાવતા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમજ ગાઝીપુર બોર્ડર પર કડક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ધૂળ ઉત્પન્ન કરતી બાંધકામ અને ડિમોલિશન પ્રવૃત્તિઓ પર આગામી ૩૧ જાન્યુઆરી સુધી સંપૂર્ણ રોક લગાવવામાં આવી છે. ખાનગી વાહનોનો ઉપયોગ ઘટાડવા માટે અધિકૃત પાર્કિંગના દરમાં પણ બમણો વધારો કરવામાં આવ્યો છે અને સરકારી તેમજ ખાનગી કચેરીઓમાં ૫૦ ટકા હાજરીની મર્યાદા નક્કી કરી વર્ક ફ્રોમ હોમ પર ભાર મૂકવામાં આવ્યો છે.
નિયમોના કડક અમલીકરણના ભાગરૂપે વિન્ટર એક્શન પ્લાનના પહેલા જ દિવસે તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મોટા પ્રમાણમાં દંડ અને દંડકીય કાર્યવાહી કરવામાં આવી છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સત્તાધિકારીઓએ કુલ ૬૮.૪ લાખ રૂપિયાનો દંડ અને પર્યાવરણીય વળતર વસૂલ્યું હતું. એન્ફોર્સમેન્ટ ટીમોએ અંદાજે ૧૫,૦૦૦ જેટલા વાહનોનું નિરીક્ષણ કર્યું હતું, સરહદી વિસ્તારોમાંથી ૧,૫૩૯ વાહનોને પરત મોકલ્યા હતા અને પ્રદૂષણ અંડર કંટ્રોલ સર્ટિફિકેટ (PUCC)ના નિયમો તોડવા બદલ ૫૬૬ ચલાણ ઇશ્યુ કર્યા હતા. પ્રદૂષણના રાક્ષસને ડામવા માટે પ્રશાસન દ્વારા લેવામાં આવી રહેલા આ કડક પગલાંઓ આગામી દિવસોમાં કેટલા અસરકારક સાબિત થાય છે તે તો સમય જ કહેશે.
