JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

તમિલનાડુ સરકારના કર્મચારીઓ માટે ટૂંક સમયમાં સાપ્તાહિક ટ્રેડિશનલ ડ્રેસ કોડ લાગુ થશે

Nov 02, 2026 | 13:30 | By JAMNAGAR MIRROR
તમિલનાડુ સરકારના કર્મચારીઓ માટે ટૂંક સમયમાં સાપ્તાહિક ટ્રેડિશનલ ડ્રેસ કોડ લાગુ થશે
તમિલનાડુ સરકાર રાજ્યના તમામ કર્મચારીઓ માટે અઠવાડિયામાં એક દિવસ પરંપરાગત વસ્ત્રો પહેરવાનું આયોજન કરી રહી છે. તમિલ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક વણકરોને આર્થિક સહાય પૂરી પાડવા માટે આ પહેલ હાથ ધરવામાં આવશે.

ચેન્નઈ ખાતે યોજાયેલા તમિલનાડુ દિવસની ઉજવણી દરમિયાન તમિલ વિકાસ મંત્રી એ. રાજમોહને એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ સરકારી કર્મચારીઓ માટે અઠવાડિયામાં એક દિવસ 'એથનિક વિયર ડે' (પરંપરાગત વસ્ત્રોનો દિવસ) શરૂ કરશે. આ ડ્રેસ કોડ માત્ર સામાન્ય કર્મચારીઓ જ નહીં પરંતુ મંત્રીમંડળના સભ્યોને પણ લાગુ પડશે. મંત્રીએ મુખ્યમંત્રી સાથે થયેલી ચર્ચાને યાદ કરતા કહ્યું કે મુખ્યમંત્રીએ સેશનમાં સિલ્ક ધોતી અને શર્ટ પહેર્યા હતા જે તહેવાર જેવા લાગતા હતા, અને આ વિચાર ત્યાંથી જ પ્રેરિત થયો છે. જોકે, આ નવી પહેલ કયા દિવસથી અને ક્યારથી અમલમાં આવશે તેની કોઈ ચોક્કસ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

આ ઉપરાંત, તમિલ કલા અને સાહિત્યના પ્રસાર માટે સચિવાલયમાં એક વિશેષ 'તમિલ સંગમ'ની સ્થાપના કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે, જેની આગેવાની ખુદ મુખ્યમંત્રી કરશે અને ભવિષ્યમાં વિશ્વ તમિલ સંમેલનનું આયોજન કરવાના પ્રયાસો પણ તેજ કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન અન્ય નેતાઓએ રાજ્ય માટે અલગ ધ્વજની માંગ સહિતના મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓએ તમિલનાડુ દિવસ નિમિત્તે જનતાને શુભકાષ્નાઓ પાઠવી હતી.

બીજી બાજુ, તમિલનાડુ દિવસની ઉજવણીની તારીખને લઈને રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો છે. ડીએમકે (DMK) પક્ષે સરકાર પર ઇતિહાસને તોડમરોડવાનો આરોપ લગાવ્યો છે અને દલીલ કરી છે કે ૧ નવેમ્બરને બદલે ૧૮ જુલાઈને જ તમિલનાડુ દિવસ તરીકે ઉજવવો જોઈએ, કારણ કે ૧૮ જુલાઈ ૧૯૬૭ના રોજ જ રાજ્યનું નામ સત્તાવાર રીતે તમિલનાડુ રાખવામાં આવ્યું હતું. આમ, આ નવી સાંસ્કૃતિક પહેલ અને રાજકીય ચર્ચાઓ વચ્ચે આ ઉજવણી રાજ્યમાં ભારે ચર્ચાનો વિષય બની રહી છે.

LATEST ARTICLES