ચેન્નઈમાં અમ્મા મક્કા મુનેત્ર કઝગમ (AMMK) ના મહાસચિવ ટીટીવી ધિનકરને શનિવારે તમિલનાડુ સરકાર પર વીજ ક્ષેત્રની ગંભીર વહીવટી નિષ્ફળતાઓને કારણે રાજ્યને અંધકારમાં ધકેલી દેવાનો આક્ષેપ કર્યો છે. તેમણે સરકાર દ્વારા અવારનવાર રજૂ કરવામાં આવતા જાળવણી અને ટેકનિકલ ખામીના બહાના સામે સવાલો ઉઠાવ્યા હતા. ધિનકરને જણાવ્યું હતું કે રાજ્યભરમાં ચાલી રહેલા અણધાર્યા વીજ કાપ સામાન્ય જનતા માટે મોટી મુસીબત બની ગયા છે અને સરકાર આ સમસ્યાનો સ્વીકાર કરવાને બદલે ગોળગોળ સ્પષ્ટતાઓ આપી રહી છે.
આ અસંતોષ વ્યક્ત કરતા તેમણે મદુરાઈની મુલાકાતે આવેલા ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને અન્નાદ્રમુક (AIADMK) ના મહાસચિવ ઇડાપ્ડી કે. પલાનીસ્વામીની મુલાકાત દરમિયાન મીનાક્ષી અમ્મન મંદિરમાં થયેલા વીજ પુરવઠાના વિક્ષેપનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. ધિનકરનના મતે, આવા ધાર્મિક અને મહત્વપૂર્ણ સ્થળો પર વીજળી ડૂલ થવાની ઘટનાઓ તમિલનાડુ વીજળી વિભાગની ગંભીર બેદરકારી અને વહીવટી ખાડે ગયેલી વ્યવસ્થાનો સ્પષ્ટ પુરાવો પૂરો પાડે છે.
વધુમાં, તેમણે તમિલનાડુ પાવર જનરેશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન કોર્પોરેશન (TNPDCL) ની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. મંદિરની ઘટના બાદ વીજ વિભાગ દ્વારા પહેલા જાળવણી અને બાદમાં ટેકનિકલ ખામી જેવા પરસ્પર વિરોધાભાસી નિવેદનો આપીને પોતાની નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો તેમણે દાવો કર્યો હતો. એટલું જ નહીં, અનિયમિત વીજ પુરવઠો, વીજ બિલની સમસ્યાઓ, સ્માર્ટ મીટરના ટેન્ડરો અને મોંઘી વીજળી ખરીદીના વિવાદો જેવા મુદ્દે પણ ધિનકરને રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી.
