રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધારવા અને ભૌતિક સુવિધાઓની વાસ્તવિક સ્થિતિની આંકણી કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા ૨૫ ઓક્ટોબર સુધી રાજ્યવ્યાપી વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત ક્લસ્ટર રિસોર્સ સેન્ટર અને બ્લોક રિસોર્સ સેન્ટરના સંયોજકો, મદદનીશ શિક્ષણ નિરીક્ષકો, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિતના વર્ગ-૧ અને વર્ગ-૨ ના ઉચ્ચ અધિકારીઓ શાળાઓની ઓચિંતી મુલાકાત લઈ રહ્યા છે. શાળાઓમાં આંતરિક અને બાહ્ય મૂલ્યાંકન બાદ શરૂ થયેલી આ ચકાસણી દરમિયાન અધિકારીઓ માત્ર કાગળ પરની વિગતો જોવાને બદલે સ્થળ પર જ લાઈવ કેમેરા દ્વારા તસવીરો પાડીને ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરી ત્વરિત અને પારદર્શક મૂલ્યાંકન કરી રહ્યા છે.
આ વિશેષ તપાસ અભિયાનમાં મુખ્યત્વે છ મહત્વના મુદ્દાઓને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. જેમાં ધોરણ ૧ થી ૩ ના ભૂલકાંઓમાં પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન તેમજ ધોરણ ૪ થી ૮ ના વિદ્યાર્થીઓમાં ઉંમર મુજબ વાંચન, લેખન અને મૂળભૂત ગણિત પ્રક્રિયાની ક્ષમતાઓનું પ્રત્યક્ષ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત શિક્ષકોની દૈનિક ડાયરી, પાઠ આયોજન, એકમ કસોટીઓનું સમયસર આયોજન અને તેના ગુણની ઓનલાઈન એન્ટ્રી તથા જ્ઞાનસાધના શિષ્યવૃત્તિ પરીક્ષાના માર્ગદર્શનની પણ ગંભીર સમીક્ષા કરવામાં આવી રહી છે. સાથે જ શાળાઓમાં ઉપલબ્ધ કમ્પ્યુટર લેબ, ટેબ્લેટ્સની કાર્યક્ષમતા અને જી-શાળા તેમજ સ્વિફ્ટચેટ જેવી ડિજિટલ પ્રણાલીઓના શૈક્ષણિક ઉપયોગની ચકાસણી થઈ રહી છે.
શૈક્ષણિક ગુણવત્તાની સાથોસાથ શાળા પરિસર, સ્વચ્છતા, રમતનું મેદાન, કુમાર અને કન્યાઓ માટે અલગ શૌચાલય તેમજ પીવાના પાણીની સુવિધાની સમીક્ષા કરવામાં આવી રહી છે. ખાસ કરીને જર્જરિત ઓરડાઓનો બાળકો માટે ઉપયોગ સદંતર બંધ છે કે નહીં અને ફાયર સેફ્ટી તથા વીજ વાયરિંગની સલામતી છે કે નહીં તેની ઝીણવટભરી તપાસ થઈ રહી છે. મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ નિયત મેનુ મુજબનું તાજું ભોજન, પીરસતાં પહેલાં શિક્ષક કે શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્ય દ્વારા ચકાસણી, રસોડાની સ્વચ્છતા અને રસોઈયાના આરોગ્ય કાર્ડની ખાતરી કરાઈ રહી છે. વહીવટી સ્તરે સમિતિની માસિક બેઠકો, નાણાકીય હિસાબો, ગણવેશ અને પુસ્તક વિતરણ તેમજ વિદ્યાર્થીઓની ડિજિટલ હાજરી અને ગેરહાજર બાળકો માટેની ઘર મુલાકાત રજિસ્ટરની પણ કડક તપાસ કરવામાં આવી રહી છે.
