JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

આંધ્રપ્રદેશની શાળામાં એકતરફી પ્રેમમાં પાગલ શખ્સે ચેઈનસોથી ધોરણ-૧૦ ની વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો

Nov 01, 2026 | 13:37 | By JAMNAGAR MIRROR
આંધ્રપ્રદેશની શાળામાં એકતરફી પ્રેમમાં પાગલ શખ્સે ચેઈનસોથી ધોરણ-૧૦ ની વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો
આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાની સરકારી શાળામાં એક શખ્સે પ્રેમ પ્રસ્તાવ ફગાવવાની અદાવતમાં ધોરણ-૧૦ ની બે વિદ્યાર્થિનીઓ પર ચેઈનસોથી ખૂની હુમલો કર્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે અને આરોપી હાલ પોલીસ પકડથી દૂર છે.

આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના રપ્તાડુ ગામની જિલ્લા પરિષદ હાઇસ્કૂલમાં શનિવારે સવારે બનેલી આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી હેમંત ઉર્ફે ડુમ્મુ પીડિત વિદ્યાર્થિનીનો સબંધી જ છે અને તે લાંબા સમયથી યુવતીની પાછળ પડેલો હતો. યુવતી દ્વારા તેનો પ્રેમ પ્રસ્તાવ અગાઉ નકારી કાઢવામાં આવ્યો હોવાથી તે અદાવત રાખીને બેઠો હતો. શનિવારે સવારે આશરે સાડા દસ વાગ્યે જ્યારે વર્ગખંડમાં શિક્ષણ કાર્ય ચાલી રહ્યું હતું, ત્યારે આરોપી અચાનક હાથમાં ચેઈનસો (વૃક્ષો કાપવાનું મશીન) લઈને ક્લાસરૂમમાં ઘૂસી ગયો હતો અને વિદ્યાર્થિનીઓને નિશાન બનાવી હતી. આ અચાનક થયેલા હુમલાને કારણે વર્ગખંડમાં હાજર બાળકો અને શિક્ષકોમાં ભારે નાસભાગ અને ડરનો માહોલ સર્જાઈ ગયો હતો.

ઘટનાસ્થળે હાજર વર્ગશિક્ષિકા રાજેશ્વરીએ જણાવ્યું કે શાળા પરિસરમાં અગાઉથી જ કેટલાક મરામત કે અન્ય કામો ચાલી રહ્યા હોવાથી, શરૂઆતમાં શિક્ષકો કે બાળકોને અંદાજ જ ન આવ્યો કે શખ્સે હાથમાં શું પકડી રાખ્યું છે. તેઓએ એમ જ માન્યું કે કોઈ કામદાર કોઈ કામ માટે આવ્યો હશે, પરંતુ તે પહેલાં કે કોઈ કશું સમજી શકે, આરોપીએ મશીન ચાલુ કરીને સીધો વિદ્યાર્થીઓ વચ્ચે પહોંચી ગયો હતો અને હુમલો કરી દીધો હતો. આ ક્રૂર હુમલામાં બે વિદ્યાર્થિનીઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી, જે પૈકી એકની હાલત અત્યંત નાજુક હોવાથી તેને અનંતપુરની સરકારી જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને વધુ સારવાર માટે તેને એર એમ્બ્યુલન્સ દ્વારા બેંગ્લુરુ ખસેડવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઘટના બાદ સમગ્ર શાળા પરિસરમાં શોક અને ભયનો માહોલ છે.

આ ગંભીર ઘટનાની ગંભીર નોંધ લેતા રાજ્યના શિક્ષણ પ્રધાન નારા લોકેશે તાત્કાલિક ધોરણે અસરગ્રસ્ત બાળકોની માનસિક સ્થિતિ સુધારવા માટે પગલાં લીધા છે. ધોરણ-૧૦ ના વર્ગ A ના ૩૨ વિદ્યાર્થીઓ તેમજ ધોરણ ૮, ૯ અને ૧૦ ની અન્ય વિદ્યાર્થિનીઓના ઘેર-ઘેર જઈને તેમને માનસિક સહારો પૂરો પાડવા માટે ૨૦ કાઉન્સિલર્સની એક ખાસ ટીમ તૈનાત કરવામાં આવી છે, જે બાળકો અને તેમના વાલીઓની મુલાકાત લઈને આઘાતમાંથી બહાર લાવવામાં મદદ કરી રહી છે. બીજી બાજુ, મુખ્ય આરોપી હેમંત હજુ પણ પોલીસ પકડથી બહાર ફરાર છે, જેને ઝડપી પાડવા માટે સ્થાનિક પોલીસે ૧૨ થી ૧૫ વિશેષ ટીમો બનાવીને સઘન શોધખોળ હાથ ધરી છે.

LATEST ARTICLES