JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

પ્રેમ સંબંધમાં અડચણરૂપ બનતા પત્નીએ બે પ્રેમીઓ સાથે મળીને પતિની કરી ક્રૂર હત્યા

Nov 01, 2026 | 13:37 | By JAMNAGAR MIRROR
પ્રેમ સંબંધમાં અડચણરૂપ બનતા પત્નીએ બે પ્રેમીઓ સાથે મળીને પતિની કરી ક્રૂર હત્યા
તેલંગાણાના બાંસવાડા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પરિણીતાએ પોતાના બે પ્રેમીઓ સાથે મળીને પતિનું ગળું दबाવીને ખૂન કરી નાખ્યું અને સમગ્ર ઘટનાને અકસ્માતમાં ખપાવવા લાશને તળાવમાં ફેંકી દીધી હતી. પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

ઘટનાની વિગતો મુજબ, ગત ૨૩ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ બાંસવાડા મંડળના હનમાજીપેટ ગામના પાછેરા તળાવ પાસેથી ૨૬ વર્ષીય દૈનિક મજૂર ચકાલી ઉર્ફે ગુમ્માડી કાશીરામનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. મૃતકના પિતા ચકાલી ભુમૈયાની ફરિયાદના આધારે બાંસવાડા પોલીસ સ્ટેશનમાં અકસ્માત અને શંકાસ્પદ મૃત્યુનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હતી. શરૂઆતમાં આ મામલો સામાન્ય અકસ્માત કે આત્મહત્યા જેવો લાગતો હતો, પરંતુ પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં આ એક સુનિયોજિત હત્યા હોવાનું બહાર આવતા પોલીસે કલમ ૧૦૩ બીએનએસ હેઠળ ગુનો દાખલ કરીને તપાસનો વ્યાપ વધાર્યો હતો.

પોલીસે ઘટનાસ્થળની ઝીણવટભરી તપાસ કરી, સાક્ષીઓના નિવેદનો નોંધ્યા અને ટેકનિકલ પુરાવાઓની મદદ લીધી હતી. ૩૦ ઓક્ટોબરના રોજ બાંસવાડા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે હનમાજીપેટ ગામમાંથી ત્રણ શંકાસ્પદોની અટકાયત કરી હતી. પકડાયેલા આરોપીઓમાં મૃતકની ૨૫ વર્ષીય પત્ની ગુમ્માડી સવિતા ઉપરાંત તેના બે પ્રેમીઓ- ૨૬ વર્ષીય ચિંતાકિંડી રામુ અને ૨૫ વર્ષીય પશુપુલ સંતોષનો સમાવેશ થાય છે. પોલીસ પૂછપરછ દરમિયાન ત્રણેય આરોપીઓએ પોતાના ગુનાની કબૂલાત કરી લીધી છે, જેનાથી સમગ્ર પ્રકરણ પરથી પડદો ઉંચકાઈ ગયો હતો.

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે મૃતકની પત્ની સવિતાના રામુ અને સંતોષ બંને સાથે અનૈતિક સંબંધો હતા અને તેનો પતિ કાશીરામ આ સંબંધોમાં મોટો કાંટો બનીને અડચણરૂપ બની રહ્યો હતો. આનાથી છુટકારો મેળવવા માટે સવિતાએ પોતાના બંને પ્રેમીઓ સાથે મળીને પતિની હત્યાનું ખતરનાક કાવતરું રચ્યું હતું. પૂર્વ આયોજિત પ્લાન મુજબ, ગત ૨૩ ઓક્ટોબરની રાત્રે આરોપીઓએ કાશીરામને દારૂ પીવાના બહાને બહાર બોલાવ્યો હતો અને તે ભારે નશામાં ધૂત થઈ ગયા બાદ, રામુએ નાયલોનની દોરીથી તેનું ગળું ઘૂંટીને ખૂન કર્યું હતું જ્યારે સંતોષે તેનો વિરોધ ન થાય તે માટે હાથ પકડી રાખ્યા હતા. હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે તેમણે લાશને તળાવમાં ફેંકી દીધી હતી. પોલીસે ગુનામાં વપરાયેલા મોબાઈલ ફોન અને અન્ય સામગ્રી જપ્ત કરી ત્રણેય આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી જેલના હવાલે કર્યા છે.

LATEST ARTICLES