શુક્રવારની મોડી રાત્રે ગુરુગ્રામના વ્યસ્ત ડીએલએફ ફેઝ-૨ વિસ્તારમાં ગોલ્ફ કોર્સને જોડતા રસ્તા પર રેપિડ મેટ્રો લાઇનની નીચે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. રાત્રે લગભગ દોઢ વાગ્યાના અરસામાં પૂરપાટ ઝડપે દોડી રહેલી એક કાળા રંગની એસયુવી કારે રસ્તા પર ચાલી રહેલા અન્ય વાહનોને ધડાકાભેર ટક્કર મારી હતી. પાછળ આવી રહેલા એક વાહનના ડેશકેમમાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બેકાબૂ બનેલી એસયુવીએ પહેલા એક વાહનને અને ત્યારબાદ એક કોમર્શિયલ ટેક્સીને જોરદાર ટક્કર મારી હતી, જે બાદ તે રોડની ડાબી બાજુની દીવાલ સાથે અથડાઈને અટકી હતી.
આ ટક્કર એટલી બધી ગંભીર હતી કે તેના પ્રતાપે કોમર્શિયલ ટેક્સી હવામાં પલટી ગઈ અને રોડ પર ઘસડાતી ઘસડાતી દૂર સુધી જઈને અટકી હતી. અકસ્માતના આ ભયાનક પ્રહારને કારણે અન્ય એક વાહનના એરબેગ્સ પણ ખુલી ગયા હતા. આ ગંભીર દુર્ઘટનામાં ટેક્સી ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને ત્વરિત ધોરણે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. અકસ્માતની જાણ થતાં જ ડીએલએફ પેટ્રોલિંગ ટીમ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક વ્યવસ્થા તેમજ પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
ઘટનાસ્થળની આસપાસના વાહનના ડેશકેમમાંથી મળેલો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. ગુરુગ્રામ પોલીસ હવે આ ડિજિટલ પુરાવાને આધાર બનાવીને સમગ્ર અકસ્માતની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં વાહનોની અત્યંત હાઈ સ્પીડ અને બેદરકારી મુખ્ય કારણ હોવાનું જણાઈ રહ્યું છે, ત્યારે પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આગળના પગલાં ભરવાનું શરૂ કર્યું છે.
