ઘટનાની વિગતો અનુસાર, ગત શનિવારે સવારે આશરે ૧૦:૩૦ વાગ્યે અનંતપુર જિલ્લાના રાપતાડુ ગામમાં આવેલી જિલ્લા પરિષદ હાઇસ્કૂલમાં શિક્ષણ કાર્ય ચાલી રહ્યું હતું ત્યારે આ હ્રદયદ્રાવક ઘટના બની હતી. હેમંત ઉર્ફે ડુમ્મુ નામના ૨૧ વર્ષીય આરોપીએ વર્ગખંડમાં અચાનક પ્રવેશીને પોતાની સાથે લાવેલા ચેઈનસો (વૃક્ષો કાપવાના યંત્ર) વડે હુમલો કર્યો હતો. શાળામાં અગાઉથી જ કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું હોવાના કારણે શિક્ષકો અને વિદ્યાર્થીઓને એમ લાગ્યું હતું કે કોઈ મજૂર કે કામદાર સાધન લઈને આવ્યો છે, પરંતુ આરોપીના ઇરાદા ઘાતકી હતા. તેણે વર્ગખંડની અંદર જઈને અચાનક મોટર ચાલુ કરી દીધી હતી અને પોતાની જ સગીર ભત્રીજી તથા તેની સહાધ્યાયીને નિશાન બનાવી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી હેમંત તેની જ ભત્રીજીની પાછળ હાથ ધોઈને પડ્યો હતો અને વારંવાર તેનો પીછો કરી હેરાન કરતો હતો તેમજ તેણે યુવતી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. યુવતી અને તેના પરિવાર દ્વારા આ પ્રસ્તાવ સ્પષ્ટપણે ઠુકરાવી દેવામાં આવતા આરોપી ગુસ્સામાં હતો અને તેનો બદલો લેવા માટે તેણે આ જઘન્ય કૃત્ય આચર્યું હતું. હુમલા બાદ તરત જ બંને ઘાયલ વિદ્યાર્થિનીઓને અનંતપુરની સરકારી જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં એક વિદ્યાર્થિનીની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી તેની ગંભીર શસ્ત્રક્રિયા ચાલી રહી છે અને તેને વધુ સારવાર માટે એર એમ્બ્યુલન્સ દ્વારા બેંગ્લુરુ લઈ જવાની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે અને તેને ઝડપી પાડવા માટે પોલીસે ૧૨ થી ૧૫ વિશેષ ટીમો બનાવી સઘન શોધખોળ શરૂ કરી છે.
આ ભયાનક ઘટનાના પગલે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભારે માનસિક આઘાતમાં સરી પડ્યા છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યના શિક્ષણ મંત્રી નારા લોકેશે તાત્કાલિક રાહત અને બચાવ તેમજ માર્ગદર્શનના પગલાં લીધા છે. મંત્રીના આદેશ અનુસાર, ધોરણ ૧૦-એ ના તમામ ૩૨ વિદ્યાર્થીઓ તેમજ ધોરણ ૮, ૯ અને ૧૦ ની વિદ્યાર્થિનીઓના ઘેર-ઘેર જઈને ૨૦ પ્રોફેશનલ કાઉન્સિલર્સની ટીમ બાળકો અને તેમના વાલીઓની મુલાકાત લઈ રહી છે. આ કાઉન્સિલર્સ બાળકોને આ આઘાતમાંથી બહાર લાવવા માટે માનસિક સ્વાસ્થ્ય સહાય અને ભાવનાત્મક હૂંફ પૂરી પાડી રહ્યા છે, જેથી આ ડરામણી ઘટનાની બાળકોના માનસ પર લાંબા ગાળાની ખરાબ અસર ન પડે.
