JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

આંધ્રપ્રદેશની સરકારી શાળામાં એકતરફી પ્રેમમાં પાગલ શખ્સે ચેઈનસોથી ધોરણ ૧૦ ની વિદ્યાર્થિનીઓ પર કર્યો હુમલો

Nov 01, 2026 | 13:27 | By JAMNAGAR MIRROR
આંધ્રપ્રદેશની સરકારી શાળામાં એકતરફી પ્રેમમાં પાગલ શખ્સે ચેઈનસોથી ધોરણ ૧૦ ની વિદ્યાર્થિનીઓ પર કર્યો હુમલો
આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાની એક શાળામાં લગ્નનો પ્રસ્તાવ ફગાવી દેનાર સગા કાકાએ જ ચેઈનસો વડે બે વિદ્યાર્થિનીઓને ગંભીર ઈજા પહોંચાડી છે. આ ભયાનક ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે અને આરોપી હાલ પોલીસ પકડથી દૂર છે.

આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના રપ્તાડુ ગામમાં આવેલા જિલ્લા પરિષદ હાઇસ્કૂલમાં શનિવારે સવારે બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. હેમંત ઉર્ફે ડુમ્મુ નામના ૨૧ વર્ષીય શખ્સે વર્ગખંડમાં ઘૂસીને ચેઈનસો (વૃક્ષ કાપવાનું મશીન) વડે ધોરણ ૧૦ ની બે વિદ્યાર્થિનીઓ પર અચાનક હુમલો કરી દીધો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી આ હુમલાની ભોગ બનેલી મુખ્ય વિદ્યાર્થિનીનો સગા કાકો જ છે અને તે લાંબા સમયથી યુવતીની છેડતી કરી રહ્યો હતો તેમજ તેની પાછળ પડ્યો હતો. યુવતી દ્વારા તેનો પ્રસ્તાવ વારંવાર ઠુકરાવવામાં આવતા તે ગુસ્સે ભરાયો હતો અને આ ઘૃણાસ્પદ અપરાધને અંજામ આપ્યો હતો. ઘટના બાદ આરોપી તુરંત ફરાર થઈ ગયો હતો અને પોલીસે તેને ઝડપી પાડવા માટે ૧૨ થી ૧૫ વિશેષ ટીમો બનાવી સઘન શોધખોળ હાથ ધરી છે.

આ ઘટના અંગે વર્ગશિક્ષિકા રાજેશ્વરીએ ભયજનક યાદો વાગોળતા જણાવ્યું કે શાળામાં થોડું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હોવાથી, શરૂઆતમાં કોઈને ખ્યાલ જ ન આવ્યો કે આ શખ્સ હાથમાં શું લઈને આવી રહ્યો છે. શાળામાં પ્રથમ પિરિયડ પૂરો થઈ ચૂક્યો હતો અને બાળકો શાંતિથી અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે અચાનક દરવાજામાંથી આવેલો આ યુવક મશીન ચાલુ કરીને સીધો બાળકોની વચ્ચે પહોંચી ગયો હતો. કોઈ કંઈ સમજે કે પ્રતિક્રિયા આપે તે પહેલાં જ તેણે વિદ્યાર્થિનીઓને નિશાન બનાવી હતી, જેના કારણે વર્ગખંડમાં અફરાતફરી મચી ગઈ હતી અને ભયભીત બાળકો જીવ બચાવવા આમ-તેમ દોડવા લાગ્યા હતા. આ હુમલામાં બંને વિદ્યાર્થિનીઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી, જેમાં એક વિદ્યાર્થિનીની પ્રકૃતિ અત્યંત નાજુક હોવાથી તેને તાત્કાલિક અનંતપુરની સરકારી જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને વધુ સારવાર માટે એર એમ્બ્યુલન્સ દ્વારા બેંગ્લોર ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ અતિસંવેદનશીલ ઘટના બાદ રાજ્યના શિક્ષણ મંત્રી નારા લોકેશે તાત્કાલિક કડક પગલાં લેતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની સુરક્ષા અને માનસિક સ્વાસ્થ્ય તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આઘાતજનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા બાળકો અને તેમના વાલીઓને માનસિક ટેકો પૂરો પાડવા માટે ૨૦ કાઉન્સિલરોની એક વિશેષ ટીમ મેદાનમાં ઉતારવામાં આવી છે. આ ટીમ રપ્તાડુ શાળાના ધોરણ ૧૦-એ ના તમામ ૩૨ વિદ્યાર્થીઓ તેમજ ધોરણ ૮, ૯ અને ૧૦ ની વિદ્યાર્થિનીઓના ઘરે ઘરે જઈને તેમની સાથે સંવાદ કરી રહી છે જેથી બાળકો આ માનસિક આઘાતમાંથી બહાર આવી શકે. આ તરફ પોલીસ પ્રશાસન પણ આરોપીને વહેલી તકે જેસરે ભેગો કરવા માટે દિવસ-રાત એક કરીને ચારેય બાજુ તપાસનો ધમધમાટ ચલાવી રહ્યું છે.

LATEST ARTICLES