દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાન ખાતે યોજાયેલી 'ઇન્ડિયા' ગઠબંધનની મહારેલી પૂર્વે રાજકીય વાતાવરણ ગરમાયું હતું. વિપક્ષી નેતાઓએ કેન્દ્ર સરકાર પર લોકશાહીના અધિકારોને કચડી નાખવાનો અને વિરોધ પ્રદર્શનોને દબાવવાનો સીધો આરોપ લગાવ્યો હતો. હિમાચલ પ્રદેશના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર મુકેશ અગ્નિહોત્રીએ દાવો કર્યો હતો કે હિમાચલથી દિલ્હી આવી રહેલી બસોને વિવિધ સ્થળોએ અટકાવવામાં આવી રહી છે. પ્રદૂષણના નિયમો અને ટેક્સના બહાના હેઠળ બીએસ-૬ (BS-VI) માનક ધરાવતા વાહનોને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાનું જણાવી તેમણે કહ્યું હતું કે, સરકારી અવરોધો છતાં લોકો હિમાચલ ભવન પહોંચવા માટે પદયાત્રા કરવા પણ તૈયાર છે.
આ રેલી દરમિયાન ચૂંટણી પ્રક્રિયામાં કથિત ગેરરીતિઓ અને મત ચોરીના મુદ્દાઓ પર મુખ્યત્વે ચર્ચા કરવામાં આવી હતી. હિમાચલ પ્રદેશના મંત્રી વિક્રમાદિત્ય સિંહે ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારની ભૂમિકા સામે સવાલો ઉઠાવતા તેમના રાજીનામાની માંગ કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે દેશમાં મત ચોરીના આંકડા ૧૩ કરોડથી વધીને ૧૬ કરોડ સુધી પહોંચી ગયા છે, જે લોકશાહીના મૂળભૂત ભાવના પર સીધો ઘા છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં યોજાયેલી આ રેલીમાં યુવાનો (Gen Z) ના ઉત્સાહને વધાવતા નેતાઓએ જણાવ્યું હતું કે આ જનઆંદોલન આગામી સમયમાં દેશના રાજકારણમાં મોટો બદલાવ લાવશે અને આ મુદ્દાઓને સંસદમાં પણ ભારપૂર્વક ઉઠાવવામાં આવશે.
ઉત્તરાખંડના વિપક્ષી નેતા યશપાલ આર્યા અને કોંગ્રેસ નેતા કુવર દાનિશ અલીએ આ મહારેલીને બંધારણ અને ન્યાયની લડાઈ ગણાવી હતી. તેમણે ભાજપ સરકાર પર ચૂંટણી પંચના અધિકારીઓને છાવરવાનો અને નાગરિકોના મતાધિકાર છીનવવાનો આરોપ લગાવ્યો હતો. ખેડૂતો, વિદ્યાર્થીઓ અને યુવાનોના પ્રશ્નોને વાચા આપતી આ ઐતિહાસિક રેલી દેશભરમાં એક થઈ રહેલા વિપક્ષી બળનું પ્રતીક છે. 'ઇન્ડિયા' ગઠબંધને સ્પષ્ટ ચેતવણી આપી છે કે મત ચોરી કરનાર વર્તમાન શાસન સામેની આ લડાઈ માત્ર દિલ્હી પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે સમગ્ર દેશમાં લોકશાહીને બચાવવા માટેનું નિર્ણાયક અભિયાન બનશે.
