રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વારાણસી ખાતે વંદે ભારત સ્લીપર એક્સપ્રેસને લીલી ઝંડી આપતા પહેલા આ અત્યાધુનિક હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટની વિગતો જાહેર કરી હતી. આ મહત્ત્વાકાંક્ષી નોર્ધર્ન બુલેટ ટ્રેન કોરિડોર ઉત્તર અને પૂર્વ ભારતના મુખ્ય શહેરોને પરસ્પર જોડશે. હાલમાં વંદે ભારત એક્સપ્રેસ દ્વારા દિલ્હીથી લખનૌ પહોંચવામાં અંદાજે ૬ કલાક અને ૨૫ મિનિટ જેટલો સમય લાગે છે, પરંતુ બુલેટ ટ્રેન શરૂ થયા બાદ આ મુસાફરી ઘટીને માત્ર ૨ કલાક અને ૧૨ મિનિટની થઈ જશે. આ પ્રસ્તાવિત સમય માત્ર અંદાજિત છે અને અંતિમ સમયપત્રક ટ્રેનના સત્તાવાર સંચાલન અને રૂટની મંજૂરી પર નિર્ભર રહેશે.
આ હાઇ-સ્પીડ રેલ નેટવર્ક માત્ર દિલ્હી અને લખનૌ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે દેશના અન્ય મુખ્ય માર્ગો પર પણ સમયમાં ધરખમ ઘટાડો કરશે. દિલ્હીથી આગ્રાની સફર માત્ર ૫૯ મિનિટમાં, કાનપુર ૧ કલાક અને ૪૫ મિનિટમાં તથા વારાણસીથી દિલ્હીનું અંતર ૩ કલાક અને ૩૫ મિનિટમાં પૂર્ણ થવાનો અંદાજ છે. આ કોરિડોર દિલ્હીથી શરૂ થઈને આગ્રા, કાનપુર, લખનૌ, અયોધ્યા, વારાણસી, પ્રયાગરાજ, પટના અને સિલિગુડી થઈને છેક આસામના ગુવાહાટી સુધી લંબાવવામાં આવશે. આ રૂટ માત્ર ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળના શહેરોને જ નહીં જોડે પરંતુ તાજમહેલ, અયોધ્યા, વારાણસી અને પ્રયાગરાજ જેવા પ્રખ્યાત પ્રવાસન તથા ધાર્મિક સ્થળોની મુસાફરી પણ અત્યંત સરળ બનાવશે.
આ સમગ્ર પ્રોજેક્ટ સંપૂર્ણપણે 'મેક ઇન ઇન્ડિયા' અભિગમ હેઠળ વિકસાવવામાં આવશે, જેમાં ભારતીય ઇજનેરો, કામદારો અને વેલ્ડર્સ પિલરના નિર્માણથી લઈને ગર્ડર ઇન્સ્ટોલેશન સુધીની તમામ કામગીરીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સરકારનો મુખ્ય હેતો યુવાનો, મધ્યમ વર્ગના પરિવારો અને નાના ઉદ્યોગો સાથે જોડાયેલા કારીગરોને પરવડે તેવી કિંમતે આધુનિક યાત્રા સુવિધા પૂરી પાડવાનો છે, જેથી ટિકિટના દર હવાઈ મુસાફરી કરતા ઓછા અને સામાન્ય નાગરિકોની પહોંચમાં રહે. જોકે, સરકાર દ્વારા હજુ સુધી આ પ્રોજેક્ટનો ચોક્કસ ખર્ચ, સ્ટેશનોના સ્થળો, બાંધકામનો સમયગાળો કે અંતિમ ભાડાનું માળખું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી.
