વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, કર્ણાટક, કેરળ અને તમિલનાડુના સ્થાપના દિવસ નિમિત્તે ત્યાંના નાગરિકોને ઉષ્માસભર શુભેચ્છાઓ પાઠવી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર પોતાના સંદેશાઓમાં વડાપ્રધાને આ તમામ રાજ્યોના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, ઐતિહાસિક મહત્ત્વ અને પ્રાકૃતિક સૌંદર્યની પ્રશંસા કરી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી વર્ષોમાં આ રાજ્યોના નાગરિકોના જીવનમાં નવી તકો આવશે અને પ્રગતિના નવા દ્વાર ખુલશે.
મધ્યપ્રદેશ અને છત્તીસગઢની પ્રશંસા કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશ પોતાની ગૌરવશાળી સંસ્કૃતિ અને કૃષિ, ઉદ્યોગ તેમજ ઈનોવેશન જેવા ક્ષેત્રોમાં સતત નવા માપદંડો સ્થાપીને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. બીજી તરફ, છત્તીસગઢ નકસલવાદને ડામીને વિકાસના પંથે તેજીથી આગળ વધી રહ્યું છે અને તેની આદિવાસી સંસ્કૃતિ તથા પરંપરાઓ દેશની અનોખી ઓળખ છે. તેમણે હરિયાણાના ખેલાડીઓ અને અન્નદાતા કિસાનોના યોગદાનને બિરદાવતા કહ્યું કે આ રાજ્ય પોતાની બહાદુરી અને સમર્પણથી દેશનું ગૌરવ વધારી રહ્યું છે.
દક્ષિણ ભારતના રાજ્યો કર્ણાટક, કેરળ અને તમિલનાડુને શુભેચ્છા પાઠવતા પીએમ મોદીએ જણાવ્યું કે કર્ણાટક આઈ.ટી., બાયોટેકનોલોજી અને એરોસ્પેસ જેવા ભવિષ્યના ક્ષેત્રોમાં વૈશ્વિક પડકારોના ઉકેલ લાવવામાં અગ્રેસર છે. કેરળના લોકોએ સ્વાસ્થ્ય, શિક્ષણ અને વિજ્ઞાન ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓથી દેશનું નામ રોશન કર્યું છે, જ્યારે તમિલનાડુ મેન્યુફેક્ચરિંગ, ઓટોમોબાઈલ, ઈલેક્ટ્રોનિક્સ અને સ્પેસ ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં પોતાની ઔદ્યોગિક ઉત્કૃષ્ટતા સાબિત કરી રહ્યું છે. વડાપ્રધાને આ તમામ રાજ્યોના નાગરિકોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હંમેશા જળવાઈ રહે તેવી કામના કરી હતી.
