ગુરુગ્રામમાં ગતિના શોખીનો બેફામ બનીને કેવી રીતે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે તેનું વધુ એક ભયાનક ઉદાહરણ સામે આવ્યું છે. શુક્રવારની મોડી રાત્રે આશરે દોઢ વાગ્યાની આસપાસ ગોલ્ફ કોર્સને જોડતા માર્ગ પર, રેપિડ મેટ્રો લાઇનની નીચે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી એક કાળી રંગની એસયુવી કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને માર્ગ પર દોડી રહેલા અન્ય વાહનોને ધડાકાભેર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે એસયુવીએ પહેલા એક વાહનને હડફેટે લીધું અને ત્યારબાદ એક કમર્શિયલ ટેક્સી સાથે ધડાકાભેર અથડાઈને રસ્તાની બાજુની દીવાલ સાથે ભટકાય ગઈ હતી.
આ ગંભીર અકસ્માતની તીવ્રતાનો અંદાજ તે વાત પરથી લગાવી શકાય છે કે ટક્કરના પ્રચંડ આંચકાને કારણે કમર્શિયલ ટેક્સી હવામાં ફંગોળાઈને પલટી ગઈ હતી અને રોડ પર ઘણી દૂર સુધી ઘસડાઈ હતી. આ અકસ્માતમાં અન્ય એક સામેલ વાહનના એરબેગ્સ પણ ખુલી ગયા હતા, જ્યારે ટેક્સીના ડ્રાઇવરને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાસ્થળે હાજર રાહદારીઓ અને સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્ત ટેક્સી ડ્રાઇવરને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જણાઈ રહ્યું છે. આ દુર્ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.
સદભાગ્યે, આ સમગ્ર ભયાનક અકસ્માત પાછળ આવી રહેલા એક વાહનના ડેશકેમ (Dashcam) માં કેદ થઈ ગયો હતો, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. મોડી રાત્રે ઘટનાની માહિતી મળતા જ ડીએલએફ પેટ્રોલિંગ ટીમ અને સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ટ્રાફિક વ્યવસ્થાૂર્વક સંભાળીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે વાયરલ થયેલા ડેશકેમ ફૂટેજને મુખ્ય પુરાવા તરીકે ધ્યાનમાં લઈને કાયદેસરની તપાસ શરૂ કરી છે. અકસ્માત સર્જનાર એસયુવી ચાલકની ઓળખ કરી તેની સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ હાલ આસપાસના સીસીટીવી કેમેરા પણ ચકાસી રહી છે.
