JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન તમિલનાડુ તરફ આગળ વધ્યું, હવામાન વિભાગની ભારે પવનો અને વરસાદની ચેતવણી

Nov 01, 2026 | 13:15 | By JAMNAGAR MIRROR
બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન તમિલનાડુ તરફ આગળ વધ્યું, હવામાન વિભાગની ભારે પવનો અને વરસાદની ચેતવણી
બંગાળની ખાડીમાં સક્રિય થયેલું ડીપ ડિપ્રેશન તમિલનાડુના દરિયાકાંઠાની નજીક આવી પહોંચ્યું છે, જેને પગલે હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી રાજ્યમાં ભારે પવનો ફૂંકાવવાની અને મધ્યમથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા પ્રાપ્ત સત્તાવાર વિગતો અનુસાર, દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી પર સર્જાયેલું લોડ પ્રેશર સિસ્ટમ વધુ મજબૂત બનીને 'ડીપ ડિપ્રેશન'માં પરિવર્તિત થઈ ગયું છે. રવિવારે સવારે આ સિસ્ટમ ચેન્નઈથી આશરે ૭૦૦ કિલોમીટર પૂર્વ-અગ્નિ દિશામાં કેન્દ્રિત હતી, જે દર કલાકે ૨૩ કિલોમીટરની ઝડપે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે. આ વાવાઝોડા જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકા9ળના વિસ્તારોમાં તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે અને સંભવિત ખતરાને પહોંચી વળવા માટે આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, રવિવાર બપોરથી જ ઉત્તર તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવનો ફૂંકાવવાની શરૂઆત થઈ ગઈ છે, જેની ઝડપ ૪૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે અને તે વધીને ૬૦ કિલોમીટર સુધી પહોંચી શકે છે. રવિવાર રાત્રિથી મંગળવાર સવાર સુધી આ પવનો વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે, જેમાં પવનની ઝડપ પ્રતિ કલાક ૫૫ થી ૬૫ કિલોમીટર અને ભારે જોંકા સાથે ૭૫ કિલોમીટર સુધી પહોંચવાની સંભાવના છે. સોમવારથી વરસાદની ગતિવિધિઓમાં પણ નોંધપાત્ર વધારો થશે અને રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તેમજ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની પૂરી શક્યતા છે.

આ કુદરતી આપત્તિની સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારો અને દરિયાઈ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોને આગામી સૂચનાઓ સુધી દરિયામાં ન જવા માટે કડક ચેતવણી આપવામાં આવી છે. માછીમારોને રવિવાર અને સોમવારે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી તેમજ બુધવાર સુધી દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં પ્રવેશ ન કરવા જણાવવામાં આવ્યું છે. મંગળવાર સાંજથી પવનની ગતિમાં ક્રમશઃ ઘટાડો થવાની ધારણા છે, તેમ છતાં પ્રશાસન દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળોએ રહેવાની સલાહ આપવામાં આવી છે.

LATEST ARTICLES