ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી નવદીપ રિનવા દ્વારા લેવામાં આવેલા આ કડક પગલાં પાછળ પીલીભીત વિધાનસભા મતવિસ્તારમાં સામે આવેલું એક મોટું કૌભાંડ મુખ્ય કારણ છે. પીલીભીતમાં મતદાર યાદીની તપાસ દરમિયાન ૧૦,૪૭૦ જેટલી એન્ટ્રીઓમાં ગેરરીતિઓ માલૂમ પડી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે ECINET પોર્ટલ પર લોગિન ઓળખપત્રોનો દુરુપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે ચૂંટણી તંત્રમાં હડકંપ મચી ગયો હતો. આ ઘટના બાદ ચૂંટણી પંચે સમગ્ર રાજ્યમાં ડેટા ઓપરેટરોની સત્તા અને આઈડી પર કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે, જેથી ભવિષ્યમાં આવી ભૂલો કે છેતરપિંડીને અટકાવી શકાય.
પ્રાપ્ત વિગતો અનુસાર, પીલીભીત વિધાનસભા બેઠક પર એક આઉટસોર્સડ કમ્પ્યુટર સહાયકે ૩૧ મે થી ૨૯ ઓગસ્ટ દરમિયાન મતદાર વિગતોમાં ફેરફાર માટેના ફોર્મ-૮ ની ૧૩,૭૭૯ અરજીઓ બારોબાર એન્ટર કરી દીધી હતી. આશ્ચર્યજનક બાબત તો એ છે કે તેમાંથી ૧૦,૪૭૦ અરજીઓ મંજૂર પણ કરી દેવામાં આવી હતી અને ૩,૩૦૯ ફગાવી દેવાઈ હતી, પરંતુ ચૂંટણી અધિકારીની કચેરીમાં આ અરજીઓને સમર્થન આપતા કોઈ ભૌતિક દસ્તાવેજો કે ફોર્મ મળ્યા જ નહોતા. આ ગંભીર બેદરકારી અને છેતરપિંડી પકડાયા બાદ, સંબંધિત ફર્મને તે ઓપરેટરની સેવાઓ તરત જ સમાપ્ત કરવા આદેશ અપાયો છે અને દોષિતો સામે પ્રજા પ્રતિનિધિત્વ અધિનિયમ તથા ભારતીય ન્યાય સંહિતા હેઠળ ફોજદારી તેમજ ખાતાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ સમગ્ર વિવાદ ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક જ પ્રકારના કે સમાન EPIC નંબરો ધરાવતા મતદારો સામે આવ્યા હતા, જેનાથી મતદાર યાદીની વિશ્વસનીયતા સામે સવાલો ઉઠ્યા હતા. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્ય ચૂંટણી અધિકારીએ તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને પોતપોતાના વિસ્તારોમાં ERO (ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર) સાથે સંકલન કરીને કમ્પ્યુટર ઓપરેટરોના આઈડી નિષ્ક્રિય થયાની ખાતરી કરવા આદેશ આપ્યો છે. વળી, તમામ વિધાનસભા ક્ષેત્રોમાં વ્યક્તિગત રીતે આ સમગ્ર પ્રક્રિયાની ચકાસણી કરીને કોઈપણ વિલંબ વગર વહેલી તકે પાલન અહેવાલ મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીમાં રજૂ કરવા તાકીદ કરવામાં આવી છે.
