JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

આંધ્રપ્રદેશની શાળામાં એકતરફી પ્રેમમાં પાગલ શખ્સે ચેઈનસોથી ધોરણ ૧૦ ની વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો

Nov 01, 2026 | 13:07 | By JAMNAGAR MIRROR
આંધ્રપ્રદેશની શાળામાં એકતરફી પ્રેમમાં પાગલ શખ્સે ચેઈનસોથી ધોરણ ૧૦ ની વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો
આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાની સરકારી શાળામાં લગ્નનો પ્રસ્તાવ ફગાવી દેનાર શખ્સે ચેઈનસો વડે બે વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. આ ભયાનક ઘટના પાછળ આરોપીનો પીછો કરવાની અને એકતરફી માનસિકતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના રાપતાડુ ગામમાં આવેલી જિલ્લા પરિષદ હાઇસ્કૂલમાં એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. શનિવારે સવારે શાળામાં શિક્ષણ કાર્ય ચાલી રહ્યું હતું ત્યારે ૨૧ વર્ષીય હેમંત ઉર્ફે ડુમ્મુ નામનો શખ્સ હાથમાં ચેઈનસો (વૃક્ષ કાપવાનું મશીન) લઈને અચાનક વર્ગખંડમાં ઘૂસી આવ્યો હતો. આરોપીએ કથિત રીતે તેની જ ભત્રીજીને નિશાન બનાવીને આ હુમલો કર્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી અગાઉથી જ યુવતીનો પીછો કરતો હતો અને તેણે અગાઉ પણ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ યુવતી દ્વારા પ્રસ્તાવ ઠુકરાવવામાં આવતા આવેશમાં આવીને તેણે આ લોહિયાળ કૃત્ય આચર્યું હતું. આ અચાનક થયેલા હુમલામાં બે વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે, જેમાંથી એકની પ્રકૃતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળે છે.

વર્ગખંડમાં હાજર રહેલા શિક્ષિકા રાજેશ્વરીએ આ ભયાનક ક્ષણનું વર્ણન કરતા જણાવ્યું કે, શાળા પરિસરમાં બાંધકામનું કામ ચાલી રહ્યું હોવાથી શરૂઆતમાં કોઈને ખ્યાલ જ ન આવ્યો કે શખ્સ શું લઈને આવી રહ્યો છે. શિક્ષિકાએ કહ્યું કે પહેલા પિરિયડ બાદ વર્ગખંડના દરવાજા ખુલ્લા હતા અને બાળકો અભ્યાસમાં મગ્ન હતા ત્યારે આરોપી અચાનક બહારથી જ મશીન ચાલુ કરીને અંદર ઘૂસી આવ્યો હતો. અવાજને કારણે સૌને એમ લાગ્યું કે કોઈ કામદાર મજૂરી કામ માટે આવ્યો છે, પરંતુ તે સીધો જ વિદ્યાર્થીઓની વચ્ચે પહોંચી ગયો અને કંઈ સમજે તે પહેલા જ તેણે હુમલો શરૂ કરી દીધો હતો. આ લોહિયાળ હુમલાને કારણે શાળામાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને ભયના માર્યા બાળકો અહીં-તહીં દોડવા લાગ્યા હતા. ઘાયલ બંને વિદ્યાર્થીઓને તાત્કાલિક અનંતપુરની સરકારી જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં એક વિદ્યાર્થિનીની ગંભીર હાલતમાં સર્જરી ચાલી રહી છે અને તેને એર એમ્બ્યુલન્સ દ્વારા બેંગ્લુરુની હોસ્પિટલમાં ખસેડવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

આ ગંભીર ઘટના બાદ રાજ્યભરમાં હાહાકાર મચી ગયો છે અને સુરક્ષા તેમજ માનસિક સ્વાસ્થ્યને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. મુખ્ય આરોપી હજુ સુધી પોલીસ પકડથી બહાર છે અને તેને ઝડપી પાડવા માટે પોલીસે ૧૨ થી ૧૫ વિશેષ ટીમ બનાવીને સઘન શોધખોળ આરંભી છે. બીજી તરફ, વિદ્યાર્થીઓના માનસિક આઘાતને દૂર કરવા માટે શિક્ષણ મંત્રી નારા લોકેશે તાત્કાલિક ધોરણે મોટું પગલું ભર્યું છે. ઘટનાથી ડાઈ ગયેલા અને ગભરાયેલા બાળકોને સાંત્વના આપવા માટે ૨૦ જેટલા કાઉન્સિલરોની ટીમ રાપતાડુ શાળાના ધોરણ ૧૦ ના તમામ ૩૨ વિદ્યાર્થીઓ તેમજ ધોરણ ૮, ૯ અને ૧૦ ની વિદ્યાર્થિનીઓના ઘરે ઘરે જઈ રહી છે. આ કાઉન્સિલરો બાળકો અને તેમના વાલીઓ સાથે સીધી વાતચીત કરી રહ્યા છે જેથી આ ભયાનક આઘાતમાંથી બહાર આવવા માટે તેમને પૂરતો માનસિક અને ભાવનાત્મક ટેકો મળી રહે.

LATEST ARTICLES