ભારતીય રેલવે ક્ષેત્રે એક ઐતિહાસિક પરિવવર્તનની શરૂઆત કરતાં કેન્દ્ર સરકારે ઉત્તર અને પૂર્વ ભારતને જોડતા મહત્ત્વાકાંક્ષી 'નોર્થ બુલેટ ટ્રેન કોરિડોર'ને મંજૂરી આપી દીધી છે. હાલમાં વંદે ભારત એક્સપ્રેસ કે તેજસ એક્સપ્રેસ દ્વારા દિલ્હીથી લખનૌ પહોંચવામાં અંદાજે ૬ કલાકથી વધુ સમય લાગે છે, પરંતુ આ હાઇ-સ્પીડ રેલ નેટવર્ક કાર્યરત થવાથી આ મુસાફરી ઘટીને માત્ર ૨ કલાક ૧૨ મિનિટની થઈ જશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, આ કોરિડોર માત્ર દિલ્હી અને લખનૌ જ નહીં, પરંતુ આગ્રા, કાનપુર, વારાણસી અને પટના જેવા મોટા શહેરો વચ્ચેના પ્રવાસના સમયમાં પણ ક્રાંતિકારી ઘટાડો કરશે, જોકે આ તમામ સમય માત્ર પ્રસ્તાવિત અંદાજો છે અને અંતિમ સમયપત્રક હજુ જાહેર થવાનું બાકી છે.
આ પ્રસ્તાવિત હાઇ-સ્પીડ રેલ રૂટ દિલ્હીથી શરૂ થઈને આગ્રા, કાનપુર, લખનૌ, અયોધ્યા, વારાણસી, પ્રયાગરાજ, પટના અને સિલિગુડી થઈને આસામના ગુવાહાટી સુધી લંબાવવામાં આવશે. આ રૂટ ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળના મુખ્ય શહેરી કેન્દ્રોને જોડવાની સાથે તાજમહેલ (આગ્રા), અયોધ્યા, વારાણસી અને પ્રયાગરાજ જેવા પ્રવાસન તથા ધાર્મિક સ્થળોની મુસાફરીને અત્યંત સરળ બનાવશે. આ ઉપરાંત, પટના અને સિલિગુડી જેવા મહત્ત્વના કેન્દ્રો થકી પૂર્વ હિમાલય અને સિક્કિમ સુધીની કનેક્ટિવિટી પણ મજબૂત બનશે. આ પ્રોજેક્ટ 'મેક ઇન ઇન્ડિયા' અભિયાન અંતર્ગત દેશની જ એન્જિનિયરિંગ ક્ષમતા, મજૂરો અને નિર્માણ કૌશલ્યનો ઉપયોગ કરીને સંપૂર્ણપણે સ્વદેશી રીતે વિકસાવવામાં આવશે.
સામાન્ય જનતા, યુવાનો અને મધ્યમ વર્ગના પરિવારોને ધ્યાનમાં રાખીને આ હાઇ-સ્પીડ ટ્રેનના ભાડાં વિમાન મુસાફરી કરતા ઓછા અને કિફાયતી રાખવામાં આવશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રેલવે મંત્રાલય દ્વારા ભલે આ પ્રોજેક્ટની જાહેરાત કરી દેવામાં આવી હોય, પરંતુ પ્રોજેક્ટનો કુલ ખર્ચ, સ્ટેશનોની ચોક્કસ જગ્યાઓ, નિર્માણ કાર્યનો સમયગાળો અને તેની શરૂઆતની તારીખ અંગેની વિગતવાર માહિતી હજુ સત્તાવાર રીતે બહાર પાડવામાં નથી આવી. આ પ્રોજેક્ટ દેશના પરિવહન ક્ષેત્રમાં એક નવો માઈલસ્ટોન સાબિત થશે અને ઉત્તર ભારતની આર્થિક તેમજ પ્રવાસન ગતિવિધિઓને વેગ આપશે.
